પાટણના રાજપુર ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત, અનુસૂચિત જાતિના પરિવાર સાથે જમીન પર બેસી કર્યો અલ્પાહાર
દલસુખભાઈ પરમારના પરિવાર સાથે કર્યો આત્મીય સંવાદ; ગ્રામજનોને સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને આરોગ્ય અંગે આપ્યું માર્ગદર્શન
ગાંધીનગર તા.10
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પાટણ તાલુકાના રાજપુર ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. મુલાકાત દરમિયાન તેમણે ગામના શ્રમિક અને અનુસૂચિત જાતિના દલસુખ મોહનભાઈ પરમારના ઘરે જઈ પરિવારજનોની કુશળક્ષેમ પૂછી હતી અને તેમની સાથે સમય વિતાવ્યો હતો.
દલસુખભાઈ પરમારના નિવાસસ્થાને પહોંચેલા રાજ્યપાલે પરિવારના સભ્યો સાથે જમીન પર બેસીને અલ્પાહાર ગ્રહણ કર્યો હતો. આ દરમિયાન તેમણે પરિવારજનો સાથે આત્મીય વાતચીત કરી હતી. રાજ્યપાલની આ મુલાકાતને સામાજિક સમરસતાના સંદેશ સાથે જોડવામાં આવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજપુર ગામના નાગરિકો સાથે પણ સંવાદ સાધ્યો હતો. તેમણે ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે જણાવ્યું હતું કે જમીનની ફળદ્રુપતા જાળવવા અને માનવ આરોગ્યના હિતમાં રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જરૂરી છે. ખેડૂતોને ખેતીમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવવા માટે પણ તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય જાળવવાના મહત્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલે ગ્રામજનોને સ્વચ્છ જીવનશૈલી અને સારા આરોગ્ય માટે જરૂરી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલની મુલાકાત અને પરિવાર સાથેના સંવાદને લઈને દલસુખભાઈ પરમારના પરિવારજનો તેમજ રાજપુર ગામના ગ્રામજનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર મુલાકાત દરમિયાન સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી અને ગ્રામીણ આરોગ્યનો સંદેશ કેન્દ્રસ્થાને રહ્યો હતો.


