પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક ખેતીના પ્રયાસોને બિરદાવ્યા

રાજ્યપાલે પ્રધાનમંત્રીનો વ્યક્ત કર્યો આભાર; સામાજિક સમરસતા, સ્વચ્છતા અને પ્રાકૃતિક કૃષિના અભિયાનને વધુ વેગ આપવાનો વિશ્વાસ

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની જનસેવા અને પ્રાકૃતિક ખેતીના પ્રયાસોને બિરદાવ્યા
File Image

ગાંધીનગર તા.23
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા જનસેવા, સામાજિક સમરસતા, સ્વચ્છતા અભિયાન અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીના આ પ્રોત્સાહક શબ્દો બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ રાજ્યપાલની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે આચાર્ય દેવવ્રતજીએ ગવર્નર પદની ગરિમા વધારવાની સાથે ગુજરાતના સામાજિક જીવનમાં સહજ રીતે જોડાઈને રાષ્ટ્રહિત અને સમાજહિત માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ ગામડાઓમાં જઈને વંચિત અને દલિત પરિવારો સાથે આત્મીયતાથી જોડાઈ રહ્યા છે. તેમના પ્રયાસોના પરિણામે અનેક પરિવારોને ગુજરાતનું લોકભવન પોતાના ઘર જેવું લાગવા માંડ્યું છે. પ્રધાનમંત્રીએ આ કામગીરીને 'સબકા સાથ, સબકા વિકાસ'ના વિચારનું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું.
આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા થઈ રહેલા પ્રયાસોનો પણ પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ પ્રાકૃતિક ખેતીનું અભિયાન ગુજરાતની જમીનની ફળદ્રુપતા, પર્યાવરણનું જતન અને ભવિષ્યની સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
પ્રધાનમંત્રીના પ્રોત્સાહન બદલ આભાર વ્યક્ત કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે તેમના આ શબ્દો ગૌરવ અને આનંદની લાગણી કરાવે છે. પ્રધાનમંત્રીની દૂરંદેશી વિચારસરણી, માર્ગદર્શન અને રાષ્ટ્ર પ્રથમની ભાવના સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા તેમજ પ્રકૃતિના સંરક્ષણ માટે સતત કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
રાજ્યપાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ, સામાજિક સમરસતા અને સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓ વધુ વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ લેશે. આ પ્રયાસો વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.