પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૧
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પૂર્વ સૈનિકો, સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેમના આશ્રિતોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં વિંગ કમાન્ડર કૃષ્ણ કુમાર શુક્લા(નિ.) દ્વારા પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી હેઠળના માજી સૈનિકોની વિગતો તેમજ ગત ત્રિમાસિક સમયગાળા દરમિયાન કચેરી દ્વારા કરવામાં આવેલી કામગીરી
અંગે જિલ્લા કલેક્ટરને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારજનોના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સંબંધિત વિભાગોના અધિકારીઓ સમક્ષ રજૂ થયેલા પ્રશ્નોના સમયબદ્ધ ઉકેલ માટે જરૂરી પગલાં લેવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન પોરબંદર જિલ્લાના વધુમાં વધુ નવયુવાનો સશસ્ત્ર સેનામાં જોડાવા માટે પ્રેરિત થાય તેમજ દેશની રક્ષા કાજે શહીદ થયેલા વીર જવાનોની શૌર્યગાથા અને બલિદાનને કાયમી સ્મરણમાં રાખી શકાય તે હેતુથી પોરબંદર શહેરમાં ‘વીર મેમોરિયલ’ બનાવવાની મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને વિવિધ રજૂઆતોને ગંભીરતાથી લઈ તેમના સમયબદ્ધ અને યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.


