બ્રહ્માકુમારીજ દ્વારા જૂનાગઢમાં સમર કેમ્પમાં માતૃવંદના કાર્યક્રમ યોજાયો

“વ્યક્તિ જ્ઞાનથી નહીં, પૈસાથી કે હોદ્દાથી નહીં, પરંતુ મૂલ્યોથી મહાન બને છે” 

બ્રહ્માકુમારીજ દ્વારા જૂનાગઢમાં સમર કેમ્પમાં માતૃવંદના કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.15
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા જૂનાગઢ ખાતે 5 થી 15 વર્ષની વયના બાળકો માટે “સ્ટાર સાઇનિંગ સમર કેમ્પ”નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમ્યાન માતૃવંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દરેક બાળકોની માતાઓ હાજર રહી હતી, વિવિધ પ્રવૃતિ દ્વારા માંનું મહત્વ સમજાવાનો લાગણીસભર પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે દરેક બાળક અને માંની આંખો પ્રેમથી ભીની થઇ ગઇ હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ આધુનિક યુગમાં બાળકોમાં આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરવું અને મેડીટેશન દ્વારા એકાગ્રતા અને આત્માને શશક્તિકરણ કરવાનો હતો. જૂનાગઢ સેવાકેન્દ્રના મુખ્ય સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી બીનાદીદી અને મિનલબેને જણાવ્યું કે, “આજના બાળકો સ્કેટિંગ, સાઇકલિંગ કરે છે, પેઇન્ટિંગ અને સંગીત જેવા વિવિધ ક્ષેત્રોમાં કુશળ છે, પરંતુ આધ્યાત્મિકતા અને મૂલ્યોના સિંચન વિના આપણું ભાવિ પેઢી અંદરથી ખોખલી અને વ્યથિત બની રહી છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “વ્યક્તિ જ્ઞાનથી નહીં, પૈસાથી કે હોદ્દાથી નહીં, પરંતુ મૂલ્યોથી મહાન બને છે.” આ વિશેષ સમર કેમ્પમાં બાળકોને બ્રહ્માકુમારી મિનલબેન, વર્ષાબેન અને મિત્તલબેને દ્વારા મૂલ્ય આધારિત રમત, ચિત્ર સ્પર્ધા, માતૃ વંદના અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને પ્રામાણિકતા, સ્નેહતા, ઈમાનદારી, ધીરજ અને શાંતિ જેવા સુંદર મૂલ્યો તરફ દોરીવામાં આવ્યા હતા.