માંગરોળનાં શેરીયાજ બારામાં ખૂંટીયાએ ભારે આતંક મચાવ્યો
એક મહિલાને મોતને ઘાટ ઉતારી જ્યારે બીજી મહીલા ગંભીર, અનેકને નાની મોટી ઈજાઓ પહોચાડી, લોકો ભયના મારે અગાસીઓ ઉપર ચડી ગયા ખૂંટીયાના માલિક અથવા જવાબદાર તંત્રના અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ ઉઠી : તંત્રની મીઠી નજર હેઠળ ચારે બાજુ રખડતા ઢોરો અને ખૂટીયાઓના બેફામ આતંકથી જનજીવન જોખમમાં
(પ્રતિનિધિ દ્વારા)
માંગરોળ, તા.17
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ બારા મુકામે મંગળવારે સવારે એક બેફામ ખૂંટીયાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. દૂધ લેવા જતી એક મહિલાને ઢીકો મારી મારી ને મોતને ઘાટ ઉતારી દીધી હતી જયારે અન્ય એક મહીલાને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે અનેક લોકો ઘવાયા હતા. ઘટનાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને તંત્ર વિરુદ્ધ ભારે રોષ પૂર્વક ગુનો દાખલ કરવા માંગ ઉઠી છે.
સમગ્ર પંથકને હચમચાવી દેતી આ ઘટનાની વિગતો એવી છે કે માંગરોળ તાલુકાના શેરીયાજ બારા મુકામે આજે સવારે જીલુબેન કાદરભાઈ લૂચાણી (ઉ. વ. 50) દૂધ લેવા માટે જઈ રહ્યાં હતાં ત્યારે એક રખડતા ખૂંટીયાએ દોડ મુકી ઢીકે ચડાવી હતી. અને એક પછી એક ઢીકો મારી મારી ને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે અન્ય એક મહીલા સુગરા બેન જુસબ (ઉ. વ. 35) ઉપર પણ હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. બંને મહીલાઓને ખૂંટીયાના ચૂંગલમાથી છોડાવવા વચ્ચે પડેલા અનેક લોકોને પણ ઢીકે ચડાવી ઈજાગ્રસ્ત કર્યા હતા. વિફરેલા આ ખૂટીયાએ રીત સરનો આંતક મચાવી આખા બારા બંદરને બાનમાં લિધુ હતું. લોકોમાં ભય ફેલાયો હતો અને જીવ બચાવવા ઘરની અગાસીઓ ચડી ગયા હતા. જીવના જોખમે કેટલાક યુવાનોએ વિફરેલા ખૂંટીયાની ચૂંગલમાથી બંને મહિલાઓને છોડાવી માંગરોળ સિવિલમાં પહોચાડી હતી. ઉપસ્થિત તબીબે જીલુબેન ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સુગરા બેન હાલત ગંભીર લાગતા વધુ સારવાર માટે કેશોદ રીફર કર્યા હતા. આટલી મોટી ઘટના પછી પણ કલાકો સુધી તંત્રની કોઈ ચપળતા જોવા મળી નહતો. સ્થાનિક યુવાનોએ જીવના જોખમે કલાકોની ભારે જહેમત ઉઠાવી વિફરેલા ખૂટીયાને દોરડાઓથી બાંધી કાબૂમાં લિધો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. બેફામ રખડતા ઢોરો અને ગમે ત્યારે ચાલતી ખૂંટીયાની લડાઈઓ વચ્ચે જનજીવન જોખમમાં મુકાયું છે. ઘટનાને પગલે માંગરોળ મરીન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પીડિત પરિવારે રખડતા ખૂંટીયાઓના માલિક અથવા જવાબદાર તંત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગ માંગ કરી હતી. જેમ એક વન્ય પ્રાણી કે ગાય, કોઈ આકસ્મિક રીતે મૃત્યુ પામે છે તો, જેતે વિસ્તારમાં કડક સધન તપાસ હાથ ધરવામાં આવે છે. અને અનેક કીસ્સાઓમા તેને સંલગ્ન લોકોને દંડ અથવા સજા પણ ફટકારવામાં આવે છે. ત્યારે આજે એક મહિલાનો જીવ ગયો છે તેના જવાબદાર કોણ ? આજે રખડતા ઢોરો ના માલિક અથવા તંત્રની ઘોર બેદરકારીથી એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવ્યો છે ત્યારે એમની વિરુદ્ધ પણ ગુનોહ દાખલ કરવામાં આવે તેવી ફરીયાદીએ માંગ કરી છે. ઘટનાને પગલે પાલિકા ના ઉપપ્રમુખ અબ્દુલ્લામીંયા સૈયદ અને સ્થાનિક મચ્છીયારા આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરો અને ખૂટીયાઓનો આતંક બેફામ થયો છે. રખડતા ઢોરો રસ્તામાં ગમે ત્યાં અડીંગો જમાવી બેસી જાય છે. તો ગમે ત્યારે ખૂટીયાઓ ની લડાઈઓ રસ્તાઓ બંધ કરી દે છે. આવી અવિરતપણે બનતી ઘટનાઓથી અનેક લોકો ઘવાયા પણ છે. આ બાબતે અનેક રાહ ફરીયાદો પણ થઈ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. આજે આ રખડતા ઢોરો અને બેફામ બનેલા ખૂટીયાઓ હવે ફક્ત ત્રાસ નહી જનજીવન માટે જોખમ બની ગયા છે. ત્યારે પોલીસ અને પ્રશાસન દ્વારા જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે..? કે પછી આકસ્મિક ઘટના બતાવી દબાવી દેવામાં આવશે..? તે જોવાનું રહ્યું..!


