મહિલા અનામત સુધારા બીલને કેબીનેટની મંજુરી : ઐતિહાસીક નિર્ણય
પ્રસ્તાવિત ખરડો પસાર થયા બાદ લોકસભાની કુલ બેઠકોની સંખ્યા પ૪૩ થી વધીને ૮૧૬ થઈ જશે : મહિલા સાંસદોની સંખ્યા ર૬૯ થશે : ર૦ર૯ની સામાન્ય ચૂંટણીથી લાગુ થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૯:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે એક ક્રાંતિકારી પગલાને મંજૂરી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવા માટેના સુધારા બિલને લીલી ઝંડી મળી ગઈ છે. આ બિલ ૧૬ એપ્રિલથી શરૂ થનારા સંસદના વિશેષ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ પ્રસ્તાવની સૌથી મોટી અસર લોકસભાના માળખા પર પડશે. નવા બિલ મુજબ, ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન પંચની સ્થાપના કરવામાં આવશે. જેના પરિણામે લોકસભાની કુલ બેઠકોની સંખ્યા હાલની ૫૪૩થી વધીને ૮૧૬ થઈ જશે. જોકે, વર્તમાન બેઠકોની ભૌગોલિક સ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, પરંતુ નવી બેઠકો ઉમેરવામાં આવશે. આ વ્યવસ્થા ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓથી લાગુ કરવામાં આવશે.
હાલમાં લોકસભામાં માત્ર ૭૪ મહિલા સભ્યો છે, પરંતુ ૩૩ ટકા અનામત અને સીમાંકન બાદ આ સંખ્યા વધીને ૨૬૯ થશે. તેવી જ રીતે, રાજ્યની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા ૩૯૦થી વધીને ૨,૦૪૧ સુધી પહોંચશે, જે નીતિનિર્માણને વધુ સર્વસમાવેશક બનાવશે.


