રશિયામાં પુતિન સમર્થિત પાર્ટીનો વિજય
(એજન્સી) મોસ્કો તા.ર૧
રશિયાની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સર્મથિત યુનાઇટેડ રશિયા પાર્ટીએ જીત મેળવી છે. પ્રારંભિક પરિણામોમાં પાર્ટીએ ૫૭.૫ ટકા મતો સાથે અજેય સરસાઈ મેળવી લીધી છે. ચૂંટણીનાં સત્તાવાર પરિણામો હજુ આવવાના બાકી છે.
ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ આ પહેલી સંસદીય ચૂંટણી છે. પુતિને ચૂંટણીને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થન સાથે જોડીને રજૂ કરી હતી.
૨૦૨૧ની છેલ્લી સંસદીય ચૂંટણીમાં યુનાઇટેડ રશિયાએ સ્ટેટ ડુમાની ૪૫૦માંથી ૩૨૪ બેઠકો જીતી હતી.
સ્ટેટ ડુમા રશિયાની સંસદનું નીચલું ગૃહ છે. તેમાં કુલ ૪૫૦ બેઠકો છે. તેમાંથી ૨૨૫ બેઠકો પાર્ટીને મળેલા મતોના આધારે અને ૨૨૫ બેઠકો અલગ-અલગ વિસ્તારોમાં સીધી ચૂંટણી દ્વારા નક્કી થાય છે.
રશિયાની યુદ્ધવિરોધી પાર્ટી યાબ્લોકોને આ વખતે પાર્ટીના નામે ચૂંટણી લડવાથી રોકવામાં આવી. જોકે, પાર્ટીના કેટલાક નેતાઓને અલગ-અલગ બેઠકો પરથી ચૂંટણી લડવાની મંજૂરી મળી હતી.
આ ઉપરાંત અનેક સરકારવિરોધી નેતાઓ અને ઉમેદવારોને પણ ચૂંટણી લડવાની તક મળી નહીં. રશિયામાં આ ચૂંટણીમાં ૫૬.૬૬ ટકા લોકોએ મતદાન કર્યું. મોસ્કોમાં મતદાનનો આંકડો રેકોર્ડ સ્તરે રહ્યો.


