રસ્તાની સુવિધા આપવામાં નિષ્ફળ રહેલ જૂનાગઢ કોર્પોરેશનને ‘ખાડા એટલા દંડ’ શા માટે નહીં?

ભાજપને મત આપીને પસ્તાયા હોવાની લોકોની વ્યથા - શાસકોની અણધડ નીતિ સામે પ્રજામાં ભભુકતો રોષ

રસ્તાની સુવિધા આપવામાં નિષ્ફળ રહેલ જૂનાગઢ કોર્પોરેશનને ‘ખાડા એટલા દંડ’ શા માટે નહીં?

જૂનાગઢ તા. ર૦
ભાજપ શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાનાં ભાજપનાં શાસકોની અણઆવડત ભરી અણઘડ નીતિને કારણે વિકાસના કામોને બદલે લોકોને વધુને વધુ કેમ હાડમારી ભોગવવી પડે તેવા કામો થઈ રહયા છે. ત્યારે નગરજનોમાં ભારે આક્રોશ છવાયેલો છે. વિકાસની કામગીરીમાં નબળા કામો, ભ્રષ્ટાચારભરી નીતિ અને શંકાસ્પદ કામગીરીને કારણે લોકોનો આક્રોશ વારંવાર જાેવા મળી રહયો છે. ભાજપનાં જૂનાગઢ કોર્પોરેશનનાં શાસનથી લોકો ત્રાસી ગયા છે. ગળે આવી ગયા છે અને શેરીએ ગલીએ  મહોલ્લા કે જાહેર સ્થળોએ લગભગ દરેક જગ્યાએ જૂનાગઢ કોર્પોરેશન સામે બળાપો કાઢી રહયા છે અને સાથે સાથે એવંુ પણ બોલી રહયા છે કે, અમે તો ભાજપને મત આપીને પસ્તાઈ રહયા છીએ. અને આ વાત સાચી છે. જૂનાગઢ શહેરમાં દરેક વોર્ડની મુલાકાત લેવામાં આવે તો મોટા ભાગનાં વિસ્તારોમાં લોકોની અનેક ફરીયાદો રહેલી છે. તેમાં પણ રસ્તાની સમસ્યા બધે એક સરખીજ  છે. જૂનાગઢને ખાડાનગરમાં ફેરવી નાખનારા કોર્પોરેશનનાં સત્તાધીશોને કોઈ કહેનાર નથી. કોઈ દંડ દેનાર નથી? તેવો સવાલ આજે ચર્ચાનાં ચગડોળે ચડયો છે. 
ઉદાહરણ રૂપે જાેઈએ તો ટ્રાફીકનાં નિયમન માટે ઘણાં નિયમોની અમલવારી થઈ રહી છે. જેમાં મહત્વની બાબતો ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ તો રસ્તા ઉપર વાહન ઉપર જતાં હોય અને જાે હેલ્મેટ ન પહેર્યો હોય, લાયસન્સ ન હોય કે રોંગ સાઈડમાં જતા હો અથવા બંધ થયેલી સાઈડમાં પણ આગળ જવાનો પ્રયત્ન કરો તેમજ ચાલુ વાહન ઉપર કાન પર મોબાઈલ રાખી વાત કરો જેવા અનેક કારણોસર દંડ ફટકારવામાં આવે છે. હવે તો કેટલાક વર્ષો થયા અદ્યતન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ત્યારે ટ્રાફીક નિયમોનું પાલન ન થઈ શકયું હોય તો સીસીટીવી કેમેરામાં તમારી હીલચાલની તસ્વીર ઝડપાઈ છે.  અને ફોટો તેમજ દંડની રકમની નોટીસ તમારા ઘરે પહોંચી જાય છે. આ થઈ ટ્રાફીક વ્યવસ્થા અને તેનાં દંડ માટેની વ્યવસ્થા તો આજે સવાલ એ ઉઠે છે કે, જૂનાગઢ શહેરમાં રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ જાેવા મળે છે. લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડવાની જવાબદારી કોર્પોરેશન તંત્રની છે. ત્યારે જૂનાગઢમાં સુવિધા પુરી પાડવાનાં બદલે દુવિધા લોકોની વધી રહી છે. આજે શહેરમાં રસ્તા ઉપર સંખ્યાબંધ ખાડાઓ જાેવા મળે છે. કોઈપણ રસ્તો એવો નહીં હોય કે જયાં ખાડા ન હોય! આવી સ્થિતી વચ્ચે શહેરમાં રસ્તાઓમાં આડેધડ ખોદકામને  કારણે  ‘ખાડા’માં નગરને ફેરવી નાખનારા શાસકો અને કોર્પોરેશન તંત્ર સામે પણ દંડની જાેગવાઈ કરવી જાેઈએ. લોકો તો ત્યાં સુધી  કહે છે કે, સીસીટીવીમાં પણ જાેવા મળતા ખાડાનાં ફોટા પાડી મોકલો અને કોર્પોરેશનનાં તંત્ર વાહકોને પણ ખાડા એટલા દંડની જાેગવાઈ કરી અને શાસકોની જવાબદારી ફીકસ કરી તેમજ માત્ર દંડ ભરવાથી વાત પુરી થાય તેમ નહીં જૂનાગઢ મનપાનાં શાસકોને સમય આપો કે લોકોની રસ્તાની કે અન્ય કોઈ ફરીયાદોનો નિવેડો આટલા સમયમાં આવી જવો જાેઈએ અને જાે તેટલા સમયમાં ફરીયાદનો નિકાલ ન કરી શકનાર સત્તાધીશોએ પોતાની મેળે સ્વૈચ્છીક રીતે રાજીનામું આપી દેવું જાેઈએ તેવી પણ લાગણી પ્રવર્તી રહી છે.