રૂા.72.50.લાખના વિઝા ફ્રોડ કેસની મહિલા આરોપી કમલાબાગ પોલીસના હાથે મુંબઈથી ઝડપાઈ

કમલાબાગ પોલીસની મોટી સફળતા:રાજસ્થાનની રહેવાસી અને અનેક ગુનાઓમાં સંડોવાયેલી મહિલા આરોપીને અંધેરી વેસ્ટમાંથી ઝડપી રિમાન્ડ મેળવાયા

રૂા.72.50.લાખના વિઝા ફ્રોડ કેસની મહિલા આરોપી કમલાબાગ પોલીસના હાથે મુંબઈથી ઝડપાઈ

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.30
પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂા.72,50,005ના વિઝા ફ્રોડ કેસમાં ફરાર મહિલા આરોપીની ધરપકડ કરવામાં કમલાબાગ પોલીસને મહત્વની સફળતા મળી છે. આરોપી વિદેશ મોકલવાની લાલચ આપી ખોટા વિઝા અને દસ્તાવેજો તૈયાર કરીને ફરિયાદી સહિત અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગઈ હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, પોરબંદર શહેરના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા અને કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. રામની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુન્હાના આરોપીઓએ વિદેશ જવાની લોભામણી લાલચો આપી ખોટા વિઝા ફ્રોડના ડોકયુમેન્ટ ઉભા કરી ફરી. તથા સાહેદો સાથે રૂ.72,50,005/-( બોતેર લાખ પચાસ હજાર પાંચ) નુ ફ્રોડ કરી નાશી જઇ ગુન્હો કરેલ હોય જે તપાસ દરમિયાન મુખ્ય આરોપી શુભ્રા આચાર્ય સામે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કુલ છ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત બોર્ડર રેન્જ (સી.આઈ.ડી. ક્રાઈમ બોર્ડર ઝોન)ના ગુનામાં પણ તે લાંબા સમયથી ફરાર હતી. આરોપીની શોધખોળ માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ગોજીયા ના નેતૃત્વમાં ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી. ત્યાંથી આરોપી સ્થળાંતર કરી ચૂકી હોવાનું જાણવા મળતા ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી હાલ મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી પાડી હતી. ઝડપાયેલી આરોપી શુભ્રા ભાનુપ્રકાશ આચાર્ય, હાલ અંધેરી વેસ્ટ, મુંબઈ અને મૂળ જયપુર, રાજસ્થાનની રહેવાસી છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી રિમાન્ડ મેળવી કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુનામાં તેની અટકાયત કરવામાં આવી છે. સાથે જ સી.આઈ.ડી. ક્રાઈમ બોર્ડર ઝોનના ફરાર આરોપી તરીકે પણ તેની ધરપકડ નોંધવામાં આવી છે.