વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને આજે બપોરે કેન્દ્રીય કેબીનેટની તાકીદની બેઠક, પશ્ચિમ એશિયા સંકટ અંગે આજે સાંજે સર્વપક્ષીય બેઠક

વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને આજે બપોરે કેન્દ્રીય કેબીનેટની તાકીદની બેઠક, પશ્ચિમ એશિયા સંકટ અંગે આજે સાંજે સર્વપક્ષીય બેઠક

(એજન્સી)  નવી દિલ્હી તા.૨૫:
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને પગલે મોદી સરકારે આજે સાંજે પાંચ વાગ્યે ઓલ પાર્ટી મિટિંગ બોલાવી છે. તે પહેલાં આજે બપોરે ૧ વાગ્યે કેન્દ્રીય કેબિનેટની મિટિંગ મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભા અને લોકસભામાં બંને ગૃહમાં એવી વાત કરી હતી કે, યુદ્ધની અસરના કારણે ભારતમાં સંકટ સર્જાય તેવી સ્થિતિ થઈ રહી છે. ભારતના લોકોએ સંયમ રાખવો પડશે અને કોરોના વખતે જે સંકટ આવ્યું ત્યારે સૌએ સંયમથી કામ કર્યું હતું તેવી રીતે મન શાંત રાખીને સંકટનો સામનો કરવો પડશે. બે મહત્વની મિટિંગમાં મોદી યુદ્ધની અસરો પર ચર્ચા કરીને આગળની રણનીતિ ઘડશે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચોથા અઠવાડિયામાં પ્રવેશી ગયો છે. જેની અસર હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા થતા વેપાર માર્ગો પર પડી રહી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત લશ્કરી હુમલામાં ૮૬ વર્ષીય ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવતા તણાવ વધુ વધ્યો. જવાબમાં ઈરાને અનેક ખાડી દેશોમાં યુએસ અને ઇઝરાયલી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેનાથી દરિયાઈ માર્ગો વધુ ખોરવાયા અને આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટ અને ગ્લોબલ આર્થિક સ્થિરતા પણ જોખમાઈ.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે ભારતની સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના પ્રમુખ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌકાદળના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી, અને વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ ઉપરાંત ડીઆરડીના અધ્યક્ષ ડો. સમીર કામત અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.