સંગઠીત સમાજ, વિકસીત સમાજના નારા સાથે સાદાત સમાજ જૂનાગઢની બેઠક યોજાઈ

સંગઠીત સમાજ, વિકસીત સમાજના નારા સાથે સાદાત સમાજ જૂનાગઢની બેઠક યોજાઈ

જૂનાગઢ તા.ર૧
સંગઠીત સમાજ વિકસીત સમાજના સુત્ર સાથે સાદાત સમાજ જૂનાગઢની એક મહત્વની બેઠક ગઈકાલે ઝમઝમહોલ ચંપા ફળીયા ખાતે યોજાઈ હતી. જેમાં સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાદાત સમાજના નવનિયુક્ત પ્રમુખ એજાજબાપુ ચિશ્તીએ સમાજના લોકોને સંબોધતા કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. જેમાં વયોવૃધ્ધ અને જરૂરતમંદ સાદાતોને મદદ કરવા આયુષ્યમાન કાર્ડ કાઢવા તેમજ જૂનાગઢ શહેરમાં સાદાત સમાજમાં કોઈ મૈયત થશે તો મૈયતનો તમામ ખર્ચ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એજાજબાપુએ કહ્યું કે, સાદાત સમાજનું મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને સંસ્કારનું સિંચન કરવાનું છે. જે માટે સહયારા પ્રયાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જયારે સમાજના ઉપપ્રમુખ શાહીદબાપુ બુખારીએ પણ સારા સંસ્કારોનું અને સાદાત તરીકે તેમના માન સ્વમાનનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો. ભુલોને માફ કરવા, માતા-પિતાને રાજી રાખવા વગેરે બાબતે તેમણે ખાસ સુચન કર્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં સાદાત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમાજમાં સંકલન જાળવવા માટે વોટ્સએપ નંબર ૯૮ર૪૩ ૮૪૧૯૦ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સાદાત સમાજના લોકોને જરૂરી સુચનાઓ મળશે તેવું જણાવ્યું હતું.