સલમાન ખાનની ફિલ્મમાં વડીલોને ખાસ ભેટ
75 વર્ષથી વધુ ઉંમરના લોકો માત્ર રૂ.11માં જોઈ શકશે ‘માતૃભૂમિ’; ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાને કરી જાહેરાત
મુંબઈ તા.7
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી વોર આધારિત ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ હવે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તાજેતરમાં ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર મીડિયા સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની સમગ્ર સ્ટારકાસ્ટ હાજર રહી હતી. આ પ્રસંગે સલમાન ખાને વડીલો માટે એક ખાસ ઓફરની જાહેરાત કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ટ્રેલર લોન્ચ દરમિયાન સલમાન ખાને જણાવ્યું હતું કે 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન માત્ર રૂ.11માં ‘માતૃભૂમિ’ ફિલ્મ જોઈ શકશે. આ ખાસ ઓફરનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ ઉપલબ્ધ રહેશે. આ પહેલનો હેતુ વૃદ્ધ લોકો પણ આર્મી ઓફિસર્સના જીવન, તેમના સંઘર્ષ અને દેશપ્રેમ પર આધારિત આ ફિલ્મ સરળતાથી જોઈ શકે તેવો છે.
ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવા માટે સરકાર તરફથી દબાણ કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ અંગે સલમાન ખાને સ્પષ્ટતા કરી હતી કે તેમના પર સરકાર તરફથી કોઈપણ પ્રકારનું દબાણ નહોતું. તેમણે આ પ્રકારના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. સલમાનના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં આર્મી ઓફિસર્સ અને તેમના પરિવારોના ત્યાગ તથા સંઘર્ષની વાત રજૂ કરવામાં આવી છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સેનાના જવાનો દેશને સર્વોપરી રાખે છે, તે ભાવનાને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
ફિલ્મની રિલીઝમાં થયેલા વિલંબ અંગે સલમાન ખાને જણાવ્યું હતું કે VFXનું કામ પૂર્ણ કરવામાં વધુ સમય લાગ્યો હોવાથી ફિલ્મની રિલીઝ પાછળ ઠેલાઈ હતી. હવે આ ફિલ્મ આગામી 4 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સોશિયલ મીડિયા પર ટ્રેલર થોડા દિવસ બાદ ઉપલબ્ધ કરાવવામાં આવશે, કારણ કે નિર્માતાઓ હજુ કેટલાક વિઝ્યુઅલ ઇફેક્ટ્સને આખરી ઓપ આપી રહ્યા છે.
અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 4 ડિસેમ્બરે રિલીઝ થનારી ‘માતૃભૂમિ’ની બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈથા’ સાથે ટક્કર થવાની શક્યતા છે. બંને ફિલ્મોની રિલીઝને લઈને દર્શકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.


