સ્વસ્થ શરીર, સંતુલિત મન અને મેદસ્વિતાથી મુક્ત જીવન માટે યોગ અપનાવો

સ્થૂળતા નિયંત્રણ માટે સૂર્ય નમસ્કાર, ઉત્કટાસન, ત્રિકોણાસન, કુંભકાસન, શલભાસન તથા કપાલભાતિ  લાભદાયી

સ્વસ્થ શરીર, સંતુલિત મન અને મેદસ્વિતાથી મુક્ત જીવન માટે યોગ અપનાવો

જૂનાગઢ,તા.15
આજના આધુનિક યુગમાં અનિયમિત જીવનશૈલી અને ખોટા આહાર-વિહારના કારણે મેદસ્વિતા (મોટાપો) એક ગંભીર વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે. આ વૈશ્વિક સમસ્યાના નિવારણ માટે  રાજય સરકાર દ્રારા  મેદસ્વિતા મુક્ત અભિયાન વેગવંતું બનાવવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં વધતી જતી સ્થૂળતા અને તેના કારણે સર્જાતી આરોગ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખીને યોગને અસરકારક અને કુદરતી ઉપાય તરીકે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો છે.યોગ દ્વારા શરીરના મેટાબોલિઝમમાં સુધારો થાય છે, ભાવનાત્મક ખાવાની ટેવ પર નિયંત્રણ મળે છે, હોર્મોનલ સંતુલન જળવાય છે, સ્નાયુઓ મજબૂત બને છે. તેમજ મન અને શરીર વચ્ચેનું જોડાણ વધુ સશક્ત બને છે. નિયમિત યોગાભ્યાસ માત્ર વજન ઘટાડવામાં જ નહીં પરંતુ સમગ્ર આરોગ્ય અને જીવનશૈલી સુધારવામાં પણ મદદરૂપ બને છે.
સ્થૂળતા નિયંત્રણ માટે સૂર્ય નમસ્કાર, ઉત્કટાસન, ત્રિકોણાસન, કુંભકાસન, શલભાસન તથા કપાલભાતિ પ્રાણાયામ જેવા યોગાસનો લાભદાયી માનવામાં આવે છે. આ યોગાસનોનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરની કાર્યક્ષમતા અને તંદુરસ્તીમાં વધારો થાય છે.
આ ઉપરાંત, તંદુરસ્ત જીવનશૈલી માટે સંપૂર્ણ અને પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, વાસ્તવિક લક્ષ્યાંકો નક્કી કરવાં તથા પૂરતી ઊંઘ અને સ્વ-સંભાળ જેવી બાબતોનું પણ મહત્વ છે.
જૂનાગઢ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી સ્વસ્થ અને નિરોગી જીવન તરફ આગળ વધે તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીમાં સક્રિય સહભાગી બને.