સિંહના મારણમાં ખલેલ પહોંચાડવાના કેસમાં પ્લાસવા ગામના ૯ શખ્સો જામીન પર મુક્ત
જૂનાગઢ તા.ર૬
જૂનાગઢના પ્લાસવા ગામના નવ ઈસમોની જૂનાગઢ વન વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ઈવનગર ખાતે આવેલી કચરા સાઇટ નજીક સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પ્લાસવા ગામના કેટલાક ઈસમોએ સિંહના મારણમાં ખલેલ પહોંચાડી સિંહને પજવણી કરી હોવાના આક્ષેપ સાથે વન વિભાગ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.
વન વિભાગના જણાવ્યા મુજબ સિંહના મારણ દરમ્યાન સિંહને પરેશાન કરવામાં આવ્યો હોવાનો આરોપ હતો. જોકે, સમગ્ર બનાવ રેવન્યુ વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સિંહો આવી ચડતા હોય છે. અટકાયત કરાયેલા ઈસમો વન વિભાગની હદમાં ગયા ન હોવાનું તેમજ સિંહને હેરાન કરવાનો તેમનો કોઈ ઈરાદો ન હોવાનું તેમના પક્ષે જણાવવામાં આવ્યું હતું. તેઓ માત્ર સિંહ દર્શન કરી રહ્યા હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપી પક્ષ તરફથી વકીલશ્રી આર.ડી. ઠાકર, એદુરવેશ જેએ કુરેશી અને એમ.એમ. પઠાણ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે અટકાયત કરાયેલા તમામ નવ ઈસમોને જમીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ મામલે કોર્ટના ર્નિણય બાદ પ્લાસવા ગામના તમામ નવ ઈસમોને રાહત મળી છે.



