ઈશાન ખટ્ટર અને ચાંદની બેઈન્ઝના બ્રેકઅપની ચર્ચા, બંને તરફથી હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટતા નહીં
સારા અર્જુન સાથેની એડ બાદ ઈશાનના સંબંધોને લઈને અટકળો તેજ, નજીકના સૂત્રોએ ડેટિંગની ચર્ચાને ફગાવી
મુંબઈ, તા.૨૬
બોલિવૂડ અભિનેતા ઈશાન ખટ્ટર અને ચાંદની બેઈન્ઝના સંબંધોને લઈને ફરી ચર્ચાઓ શરૂ થઈ છે. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની અટકળો ચાલી રહી છે. જોકે, ઈશાન કે ચાંદની તરફથી આ અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બંને અગાઉ અનેક પ્રસંગોએ એકસાથે જોવા મળ્યા હતા અને જાહેરમાં તેમની નિકટતા પણ જોવા મળતી હતી, જેના કારણે બંને રિલેશનશિપમાં હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી.
હવે સામે આવી રહેલા અહેવાલો અનુસાર, ઈશાન અને ચાંદનીએ પરસ્પર સમજણથી પોતાના રસ્તા અલગ કરી લીધા હોવાનું કહેવાય છે. બંને પોતાના અંગત જીવનમાં આગળ વધી રહ્યા હોવાની પણ ચર્ચા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ન હોવાથી હાલ સમગ્ર મામલો માત્ર અહેવાલો અને અટકળો પૂરતો જ સીમિત છે.
આ દરમિયાન ઈશાન ખટ્ટરનું નામ અભિનેત્રી સારા અર્જુન સાથે પણ જોડાઈ રહ્યું છે. તાજેતરમાં બંનેએ સાથે મળીને એક જાહેરાત માટે શૂટિંગ કર્યું હતું. આ એડના કેટલાક દ્રશ્યો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ બંનેની કેમિસ્ટ્રીને લઈને ચર્ચા શરૂ થઈ હતી. કેટલાક લોકો તો ઈશાન અને સારા કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હોવાની અટકળો પણ લગાવવા લાગ્યા હતા.
જોકે, બાદમાં સારાએ સ્પષ્ટ કર્યું હતું કે ઈશાન સાથે કરવામાં આવેલું કામ ફિલ્મ નહીં પરંતુ એક જાહેરાત માટેનું શૂટિંગ હતું. એડમાં બંને વચ્ચેની લવ સ્ટોરી દર્શાવવામાં આવી હતી અને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકો તરફથી પણ ધ્યાન મળ્યું હતું.
સારા અને ઈશાન શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે ઈશાનની નજીકના સૂત્રોએ આવી અટકળોને નકારી કાઢી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને કલાકારો માત્ર પ્રોફેશનલ કામ માટે સાથે આવ્યા હતા અને તેમની વચ્ચે કોઈ પ્રકારના રિલેશનશિપની વાત નથી.
ઈશાન ખટ્ટર હાલમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તે ‘ધ રોયલ્સ સિઝન ટુ’ ઉપરાંત ‘જુગાડુ’ ફિલ્મ સાથે પણ જોડાયેલો છે. બીજી તરફ, ઈશાન અને ચાંદનીના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચા અંગે બંનેમાંથી કોઈ તરફથી સત્તાવાર સ્પષ્ટતા આવે છે કે નહીં તેના પર હવે ચાહકોની નજર છે.


