‘બિગ બોસ 20’માં પહેલી એન્ટ્રી માટે રિયા આહિર અને લવ ગિલ વચ્ચે જંગ, ફેન્સ કરશે નિર્ણય

પ્રથમ કન્ટેસ્ટન્ટની પસંદગી દર્શકોના વોટિંગથી થશે, 2 સપ્ટેમ્બર સુધી મનપસંદ દાવેદારને મત આપવાની તક

‘બિગ બોસ 20’માં પહેલી એન્ટ્રી માટે રિયા આહિર અને લવ ગિલ વચ્ચે જંગ, ફેન્સ કરશે નિર્ણય

મુંબઈ, તા.૨૬
સલમાન ખાનના હોસ્ટિંગથી લોકપ્રિય બનેલો રિયાલિટી શો ‘બિગ બોસ’ હવે પોતાની 20મી સિઝન સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. આગામી 6 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ સિઝનને લઈને મેકર્સે શોના પ્રીમિયર પહેલાં જ એક રસપ્રદ ટ્વિસ્ટ જાહેર કર્યો છે. આ વખતે ઘરમાં પ્રવેશનાર પ્રથમ સ્પર્ધકની પસંદગીનો અધિકાર સીધો દર્શકોને આપવામાં આવ્યો છે.
પ્રથમ કન્ટેસ્ટન્ટ માટે મુંબઈની મોડલ રિયા આહિર અને પંજાબની સોશિયલ મીડિયા સેલિબ્રિટી લવ ગિલ વચ્ચે મુકાબલો રાખવામાં આવ્યો છે. બંનેમાંથી કોને ‘બિગ બોસ 20’ના ઘરમાં પ્રથમ પ્રવેશ મળશે તેનો નિર્ણય ફેન્સના વોટિંગના આધારે થશે. દર્શકો 2 સપ્ટેમ્બર સુધી એપ મારફતે પોતાના પસંદગીના દાવેદારને મત આપી શકશે.
આ નિર્ણયથી શોની શરૂઆત પહેલાં જ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ છે. ખાસ કરીને Gen-Z દર્શકોને ધ્યાનમાં રાખીને મેકર્સે ડિજિટલ અને સોશિયલ મીડિયા જગત સાથે જોડાયેલા ચહેરાઓને મહત્વ આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંને દાવેદારોના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ફેન્સ પણ પોતાની પસંદગી વ્યક્ત કરી રહ્યા છે.
આ વોટિંગને કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બની છે, કારણ કે બંનેમાંથી એકને જ ઘરમાં પ્રવેશવાની તક મળશે. જોકે, આ આખી પ્રક્રિયા શોની શરૂઆત પહેલાં દર્શકોમાં ઉત્સુકતા વધારવા માટેનું માર્કેટિંગ સ્ટ્રેટેજી પણ હોઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે.
દરમિયાન ‘બિગ બોસ 20’ના નવા પ્રોમોએ પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. પ્રોમોમાં સલમાન ખાને આ સિઝનમાં એક નહીં પરંતુ બે અલગ-અલગ ઘરો હોવાનો ખુલાસો કર્યો છે. આ જાહેરાત બાદ શોની નવી સિઝનમાં સ્પર્ધકો વચ્ચે કઈ રીતે રમત બદલાશે તે અંગે પણ અટકળો શરૂ થઈ છે.
સલમાન ખાને પ્રોમોમાં એવો પણ સંકેત આપ્યો છે કે શોમાંથી બહાર થઈ ગયેલા સ્પર્ધકોને ફરી એકવાર ઘરમાં પરત આવવાની તક મળી શકે છે. જો આવું થાય તો સ્પર્ધકો માટે ઘરની બહાર થયા બાદ પણ શોમાં વાપસીનો રસ્તો ખુલ્લો રહેશે, જે રમતને વધુ અનિશ્ચિત બનાવી શકે છે.
આ વર્ષે ‘બિગ બોસ’ના વિવિધ પ્રાદેશિક ભાષાઓના મળીને કુલ છ અલગ-અલગ વર્ઝન એકસાથે ટેલિકાસ્ટ થવાની વાત પણ સામે આવી છે. તેમાં લાંબા અંતરાલ બાદ પરત ફરી રહેલું ‘બિગ બોસ બાંગ્લા’ પણ સામેલ છે. આ શોને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હોસ્ટ કરી રહ્યા હોવાની માહિતી છે.
હવે ‘બિગ બોસ 20’ની શરૂઆત પહેલાં સૌથી મોટો સવાલ એ છે કે રિયા આહિર અને લવ ગિલમાંથી ફેન્સ કોને પસંદ કરે છે. 2 સપ્ટેમ્બર સુધી ચાલનારા વોટિંગ બાદ જ પ્રથમ કન્ટેસ્ટન્ટ તરીકે ઘરમાં કોણ પ્રવેશ કરશે તે સ્પષ્ટ થશે.