‘બ્રહ્માસ્ત્ર 2’ના નિર્માણમાં ફરી મુશ્કેલી, અયાન મુકર્જી નવા પ્રોડક્શન હાઉસની શોધમાં

ધર્મા પ્રોડક્શને હાથ ખેંચ્યા બાદ યશરાજ ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયોઝે પણ પ્રોજેક્ટથી અંતર રાખ્યું, ફિલ્મની શરૂઆત પર સસ્પેન્સ

‘બ્રહ્માસ્ત્ર 2’ના નિર્માણમાં ફરી મુશ્કેલી, અયાન મુકર્જી નવા પ્રોડક્શન હાઉસની શોધમાં

મુંબઈ, તા.૨૬
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ ‘બ્રહ્માસ્ત્ર 2’ને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હવે ફિલ્મના નિર્માણને લઈને નવી મુશ્કેલીઓ ઊભી થઈ હોવાનું સામે આવ્યું છે. દિગ્દર્શક અયાન મુકર્જી ફિલ્મને આગળ વધારવા માટે નવા પ્રોડક્શન પાર્ટનરની શોધમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
‘બ્રહ્માસ્ત્ર’ની સફળતા બાદ તેની સિક્વલને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા સર્જાઈ હતી. જોકે, બીજા ભાગના નિર્માણ માટે યોગ્ય પ્રોડક્શન હાઉસ શોધવામાં અયાનને મુશ્કેલી પડી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અગાઉ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક સંભવિત નિર્માતાઓએ પણ પ્રોજેક્ટથી પીછેહઠ કરી હોવાનું કહેવાય છે.
ફિલ્મમાં અમૃતાના મહત્વના પાત્ર માટે દીપિકા પાદુકોણ સાથે વાતચીત ચાલી રહી હોવાની ચર્ચા અગાઉ સામે આવી હતી. જોકે, દીપિકા પાદુકોણની ટીમે આ અહેવાલોને નકારી કાઢ્યા છે. ટીમ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અભિનેત્રી ‘બ્રહ્માસ્ત્ર 2’ સાથે કોઈપણ રીતે જોડાયેલી નથી. હવે અમૃતાના પાત્ર માટે અનીત પડ્ડાનું નામ ચર્ચામાં હોવાનું કહેવાઈ રહ્યું છે.
ફિલ્મના નિર્માણની વાત કરીએ તો પ્રથમ ભાગ ‘ધર્મા પ્રોડક્શન્સ’ના બેનર હેઠળ બનાવવામાં આવ્યો હતો. જોકે, બીજા ભાગના નિર્માણમાં ધર્મા પ્રોડક્શન્સ આગળ વધવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ અયાન મુકર્જીએ અન્ય મોટા પ્રોડક્શન હાઉસ સાથે વાતચીત શરૂ કરી હતી.
અયાને ‘યશરાજ ફિલ્મ્સ’નો સંપર્ક કર્યો હોવાની પણ માહિતી સામે આવી હતી. પરંતુ ‘વોર 2’ને દર્શકો તરફથી અપેક્ષા મુજબનો પ્રતિસાદ ન મળ્યો હોવાના અહેવાલો વચ્ચે યશરાજ ફિલ્મ્સે પણ આ મોટા પ્રોજેક્ટમાં આગળ વધવામાં રસ દાખવ્યો ન હોવાનું કહેવાય છે.
ત્યારબાદ અયાન મુકર્જીએ ‘જિયો સ્ટુડિયોઝ’ સાથે પણ ચર્ચા કરી હતી. જોકે, ત્યાંથી પણ પ્રોજેક્ટને લઈને અનુકૂળ પ્રતિસાદ ન મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણામે ‘બ્રહ્માસ્ત્ર 2’ માટે હવે નવા નિર્માતાની શોધ વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા મોટા કલાકારો ધરાવતી આ બિગ બજેટ ફિલ્મને મોટા પાયે બનાવવાની યોજના હોવાના કારણે પ્રોડક્શન હાઉસની પસંદગી પણ મહત્વની બની રહી છે. નિર્માણ માટે જરૂરી મોટું બજેટ અને ફિલ્મની ભવ્યતા જાળવી રાખવાનો પડકાર પણ અયાન સામે હોવાનું માનવામાં આવે છે.
હાલ ‘બ્રહ્માસ્ત્ર 2’નું શૂટિંગ ક્યારે શરૂ થશે અને ફિલ્મ કયા પ્રોડક્શન હાઉસના સહયોગથી આગળ વધશે તે અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. નવા નિર્માતા સાથે વાતચીત સફળ થાય ત્યાર બાદ જ ફિલ્મની આગળની કામગીરી અંગે સ્થિતિ સ્પષ્ટ થશે. તેથી રણબીર-આલિયાની આ બહુચર્ચિત ફિલ્મ ક્યારે શરૂ થશે તેના પર હવે ચાહકોની નજર છે.