ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામમાં દુકાનદાર પર જીવલેણ હુમલો, છરી-કુહાડી સાથે મામા-ભાણિયા ધસી આવ્યા

ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામમાં દુકાનદાર પર જીવલેણ હુમલો, છરી-કુહાડી સાથે મામા-ભાણિયા ધસી આવ્યા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ર૧
ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામમાં દુકાનદાર પર છરી અને કુહાડી વડે હુમલો કરવાની ઘટના બની છે. દુકાનની બહાર ગાળો બોલવાની ના પાડતા મામા-ભાણિયા વચ્ચે પ્રથમ ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ બંને ફરીથી દુકાને આવી ધારદાર હથિયારો સાથે હુમલો કરતા દુકાનદાર તથા તેને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઈને ઈજા પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, દ્રોણ ગામની મુખ્ય બજારમાં વેપાર કરતા ૪૦ વર્ષીય લાલજીભાઈ પુનાભાઈ બારીયા રાત્રે પોતાની દુકાને પરત ફર્યા હતા. આ દરમિયાન તેમની દુકાનની બાજુમાં રોડ પર દ્રોણ ગામના રહીમ બાબુ બ્લોચ અને તેનો ભાણિયો સાજીદ ગાળો બોલતા હતા. લાલજીભાઈએ બંનેને ગાળો નહીં બોલવા જણાવતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લાલજીભાઈ સાથે ઝપાઝપી કરી ત્યાંથી જતા રહ્યા હતા.
થોડા સમય બાદ બંને ફરીથી લાલજીભાઈની દુકાને આવ્યા હતા. રહીમના હાથમાં છરી અને સાજીદના હાથમાં કુહાડી હતી. સાજીદે દુકાનના થડા પર કુહાડીનો ઘા કર્યો હતો. આથી લાલજીભાઈ દુકાનની બહાર આવતા રહીમે તેમના પર છરીથી હુમલો કર્યો હતો. છરીના ઘા છાતી તથા પડખાના ભાગે વાગતાં લાલજીભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના દરમિયાન દેકારો થતાં લાલજીભાઈની પત્ની દયા તથા તેમના ભાઈ પ્રદીપ વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન પ્રદીપભાઈને પણ છરી વાગતાં ઈજા પહોંચી હતી. ઘટનાસ્થળે શેરીના લોકો એકત્ર થતાં રહીમ અને સાજીદ ત્યાંથી નાસી ગયા હતા. ઢઈજાગ્રસ્ત લાલજીભાઈ તથા તેમના ભાઈ પ્રદીપને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર બાદ લાલજીભાઈને વધુ સારવાર માટે વેરાવળની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન લાલજીભાઈની છાતીના ભાગે સાત ટાંકા લેવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર ઘટનાને પગલે દ્રોણ ગામમાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે લાલજીભાઈ બારીયાએ ગીરગઢડા પોલીસ મથકમાં રહીમ બાબુ બ્લોચ અને તેના ભાણિયા સાજીદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ હથિયાર સંબંધિત જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.