હોર્મુઝમાં સ્થિતિ ફરી વણસી : યુધ્ધ વિરામનો ભંગ : અમેરીકા-ઈરાને એક બીજા પર હુમલા કર્યા
વોશિંગ્ટન/તહેરાન:08
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ ફરી એક વખત સંકટમાં મુકાયુ છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટોના વાતાવરણ વચ્ચે ઈરાન દ્વારા ‘વિજય‘ પોસ્ટની આકરી ટીકા કરી હતી તો બીજી તરફ ચેતવણી આપી હતી કે જો કોઈ સમજુતી નહી થાય તો ફરી એક વખત લશ્કરી આક્રમણ થશે.
અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝના જળમાર્ગ ક્ષેત્રમાં પણ અથડામણ થઈ છે. પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે હોર્મુઝના જળમાર્ગ માંથી પસાર થતા અમેરિકી નૌકાદળના કાફલાની ત્રણ ડિસ્ટ્રોયર (વિનાશીકા) પર ફાયરીંગ કરવામાં આવ્યુ હતું.
જો કે આ ડિસ્ટ્રોયર ને કંઈ નુકશાન થયુ નથી પણ હુમલો કરનાર ઈરાની ડ્રોનને હવામાંજ તોડી પાડવામાં આવ્યા હતા અને ત્રણેય ડિસ્ટ્રોયર સલામત રીતે હોર્મુઝ યાદ કરી ગયા છે. અમેરિકા સાથેની યુદ્ધ વિરામની વાતચીતમાં એક જ પ્રકારનું વલણ અપનાવવા બદલ ટ્રમ્પે ઈરાની નેતૃત્વની ટીકા કરી હતી અને ધમકી આપી કે જો સમજુતી થશે નહી તો ફરી લશ્કરી પગલું લેવામાં આવશે.
હોર્મુઝ સ્ટ્રેટમાં બીજા વિશ્વયુદ્ધના પર્લ હાર્બર હુમલાની યાદ અપાવનારી બની રહી. ઈરાની દળોએ અમેરિકી નૌકાદળના ત્રણ મુખ્ય જહાજો USS ટ્રુક્સટન, USS રાફેલ પેરાલ્ટા અને મેસનને નિશાન બનાવીને સેંકડો મિસાઈલો અને આત્મઘાતી ડ્રોનથી હુમલો કર્યો હતો. ઈરાનનો દાવો છે કે આ હુમલાથી અમેરિકા સ્તબ્ધ થઈ ગયું હતું અને તેના જહાજોને જીવ બચાવવા માટે અરબી સમુદ્ર તરફ ભાગવું પડ્યું હતું. ઈરાનના સૈન્ય પ્રવક્તાએ આ ઓપરેશનને અમેરિકાના કથિત યુદ્ધવિરામ ભંગ સામેનો ચોકસાઈભર્યો જવાબ ગણાવ્યો છે.
આ ભયાનક અથડામણ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયા આપી હતી. ટ્રમ્પે સ્વીકાર્યું કે હોર્મુઝ પાર કરતી વખતે ત્રણ અમેરિકન ડિસ્ટ્રોયર્સ પર હુમલો થયો હતો, પરંતુ તેમણે દાવો કર્યો કે તમામ જહાજો સુરક્ષિત છે. ટ્રમ્પે ઈરાની મિસાઈલોની સરખામણી ‘બગીચામાં પડતા પતંગિયા‘ સાથે કરી અને ઈરાનના મિસાઈલ લોન્ચ પેડ્સ તથા બંદરો પર કરવામાં આવેલા વળતા હુમલાને પ્રેમની થપકી ગણાવીને આંચકો આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે આ એક નાનો આંચકો છે અને હજુ પણ યુદ્ધવિરામ અમલમાં છે.
ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડે આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સૌપ્રથમ કેશ્મ ટાપુ અને ચાબહાર બંદર નજીક નાગરિક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે ઈરાને વળતો પ્રહાર કરવો પડ્યો છે. ઈરાનના દાવા મુજબ, તેમના હુમલામાં અમેરિકી નૌકાદળને ભારે નુકસાન થયું છે અને તેહરાન હવે કોઈપણ ઉશ્કેરણી સામે ખચકાટ વિના કડક કાર્યવાહી કરવા તૈયાર છે. જોકે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાનહાનિના અહેવાલોને નકારી કાઢયા છે અને કહ્યું છે કે તેમની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને હવામાં જ તોડી પાડ્યા હતા.


