અનુરાગ કશ્યપ સામે સુરત કોર્ટનું કડક વલણ, વિવાદાસ્પદ ટ્વીટ કેસમાં વોરંટ ઈશ્યૂ
સમન્સ અને અખબારમાં જાહેર નોટિસ છતાં કોર્ટમાં હાજર ન રહેતાં કાર્યવાહી; કેસની આગામી સુનાવણી ૨૪ ડિસેમ્બરે
મુંબઈ, તા. ૩
બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં સુરતની ટ્રાયલ કોર્ટે તેમની સામે વોરંટ ઈશ્યૂ કર્યું છે. અગાઉ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં અને અખબારમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હોવા છતાં અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. તેમની ગેરહાજરીને પગલે કોર્ટે આ કાર્યવાહી કરી છે. હવે આ કેસની આગામી સુનાવણી ૨૪ ડિસેમ્બરે હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ કથિત અભદ્ર ટિપ્પણી કરવાના મામલે અનુરાગ કશ્યપ સામે સુરતની અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે અગાઉ તેમને સમન્સ પાઠવ્યા હતા. જોકે, સમન્સની બજવણી છતાં તેઓ સુનાવણી દરમિયાન હાજર થયા નહોતા. ત્યારબાદ કોર્ટના આદેશ મુજબ સપ્ટેમ્બર મહિનામાં મુંબઈનાં વર્તમાનપત્રોમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને સમન્સની બજવણી કરવામાં આવી હતી. આમ છતાં તેઓ કોર્ટમાં હાજર ન રહેતાં ટ્રાયલ કોર્ટે તેમની સામે વોરંટ ઈશ્યૂ કરવાનો આદેશ આપ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત ૧૯ માર્ચ, ૨૦૨૫ના રોજ થઈ હતી. આ દિવસે અનુરાગ કશ્યપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણો અંગે કથિત વાંધાજનક પોસ્ટ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સામે સોશિયલ મીડિયા પર વિરોધ પણ જોવા મળ્યો હતો.
આ પોસ્ટના જવાબમાં આદિત્ય દત્તા નામના નાગરિકે અનુરાગ કશ્યપને પોસ્ટ ડિલિટ કરવા અને જાહેરમાં મર્યાદા જાળવવા અપીલ કરી હતી. જોકે, ફરિયાદ મુજબ અનુરાગ કશ્યપે શાંતિપૂર્ણ જવાબ આપવાને બદલે સોશિયલ મીડિયા પર અપશબ્દોનો ઉપયોગ કરીને વળતો જવાબ આપ્યો હોવાનો આરોપ છે. ત્યારબાદ આ મામલે વિવાદ વધુ વકર્યો હતો અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
કોર્ટ દ્વારા સમન્સ અને જાહેર નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવ્યા બાદ પણ અનુરાગ કશ્યપ હાજર ન રહેતાં હવે તેમની સામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. સુરતની ટ્રાયલ કોર્ટે આગામી સુનાવણી માટે ૨૪ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. હવે આગામી સુનાવણીમાં આ કેસમાં શું કાર્યવાહી થાય છે અને અનુરાગ કશ્યપ કોર્ટમાં હાજર રહે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.


