ખાંડના ભાવમાં ભારે ભડકો : ૧૦ લાખ ટન ખાંડ આયાત કરવાનો સરકારનો નિર્ણય
છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં ૪૦ ટકાનો વધારો : કિલોનો ભાવ રૂા.૬૦ થી ૭૦ : તહેવારો સમયે ભાવો વધતા સરકાર પર ભારે દબાણ
(એજન્સી) નવી દિલ્હી,તા.૨૧:
દેશમાં ખાંડના વધતા ભાવ અને તહેવારોની મોસમ દરમિયાન માંગ વધવાની અપેક્ષા વચ્ચે, કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકારે ૩૧ ઓક્ટોબર સુધી ૧૦ લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. તેનો હેતુ સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા અને કિમતો પર દબાણ ઘટાડવાનો છે.
છેલ્લા બે મહિનામાં ખાંડના ભાવમાં લગભગ ૪૦ ટકાનો વધારો થયો છે. પરિણામે, વિશ્વના સૌથી મોટા ખાંડ ગ્રાહકોમાંના એક ભારતે લગભગ એક દાયકા પછી ખાંડની આયાત કરવાનો ર્નિણય લીધો છે.
ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે અને સામાન્ય રીતે સ્થાનિક વપરાશ માટે આયાત પર આધાર રાખતો નથી. ઉદ્યોગના ડેટા અનુસાર, ભારતે છેલ્લે ૨૦૧૭-૧૮માં મોટી માત્રામાં ખાંડની આયાત કરી હતી. હવે, ૧૦ વર્ષ પછી, ખાંડની આયાતની જરૂરિયાત ફરી ઊભી થઈ છે. આ વખતે, સ્થાનિક ઉત્પાદન અને પુરવઠા પર વધતા દબાણ વચ્ચે, સરકારે તહેવારોની મોસમ દરમિયાન ખાંડની અછત ટાળવા અને વધતી કિમતોને નિયંત્રિત કરવા માટે આયાતનો માર્ગ પસંદ કર્યો છે. જાેકે, તહેવારો સમયે ખાંડના ભાવમાં ભડકો થતા લોકોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. અને સરકાર ભારે દબાણમાં આવી ગઈ છે.


