ડો. સુભાષ ફાઉન્ડેશનનો વાર્ષિકોત્સવ આર્મી થીમ પર ઉજવાશે : સૈનિકો માટે ભંડોળ ઉભું કરાશે

વર્ષ ર૦૧૬માં જૂનાગઢવાસીઓના સહયોગથી રૂા. ર૧,૦૦,૦૦૦નું અનુદાન આર્મી બેટલ કેઝયુલટીઝ માટે એકત્રીત કરાયું

ડો. સુભાષ ફાઉન્ડેશનનો વાર્ષિકોત્સવ આર્મી થીમ પર ઉજવાશે  : સૈનિકો માટે ભંડોળ ઉભું કરાશે

જૂનાગઢ તા. ૯
જૂનાગઢની જાણીતી શૈક્ષણીક સંસ્થા ડો. સુભાષ ફાઉન્ડેશનનાં વાર્ષિકોત્સવની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે. આગામી વાર્ષિકોત્સવ આર્મી થીમ પર ઉજવવામાં આવશે અને તે અંગેની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
શ્રી  સુભાષ ફાઉન્ડેશન વર્ષ ૧૯૭૮ થી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. દર વર્ષે વિદ્યાર્થીઓ અને નાગરિકોને પ્રોત્સાહિત કરતી વિવિધ થીમને કેન્દ્રમાં રાખી સંસ્થાનો વાર્ષિકોત્સવ ૨૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેશની સરહદોની સુરક્ષા કરતા વીર જવાનોને બિરદાવવા "આર્મી થીમ" પર વાર્ષિકોત્સવ ઉજવવામાં આવશે. વાર્ષિકોત્સવની ઉજવણી તા. ૨૫ ડિસેમ્બરના રોજ ડો. સુભાષ રંગભવન ખાતે કરવામાં આવશે તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી ત્રિકમભાઈ છાંગા, શિક્ષણ મંત્રી શ્રી (રા.ક.) ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ બે સત્રમાં વિભાજિત કરવામાં આવશે. સવારના સત્રમાં ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા સેનાધિકારીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તેમજ વાલીગણને પ્રોત્સાહિત કરશે. જેમાં પરમવીરચક્ર કર્નલ શ્રી યોગેન્દ્રસિંહ યાદવ, બ્રિગેડિયર શ્રી નીરવકુમાર રાયજાદા,  કર્નલ શ્રી શ્રેયશ મેહતા, કર્નલ શ્રી અમિત ત્યાગી વગેરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉદબોધન કરશે. દર વર્ષની જેમ સાંજના કાર્યક્રમમાં ડૉ. સુભાષ ફાઉન્ડેશનની તમામ સંસ્થાના વિદ્યાર્થીઓ પોતાની કલાને સાંસ્કૃતિક કૃતિઓના રૂપમાં રજૂ કરશે. દેશના જવાનોના સન્માનમાં આયોજિત આ વર્ષના વાર્ષિકોત્સવની ઉજવણી દર વર્ષ કરતા વિશેષ રૂપે કરવામાં આવશે. દેશ માટે પોતાના પ્રાણોની પણ પરવાહ ના કરતા દેશના વીર જવાનો માટે આ વર્ષે "શોર્ય વંદના" કાર્યક્રમ હેઠળ જૂનાગઢવાસીઓને સાથે રાખીને ભંડોળ ઉભું કરવામાં આવશે. 
વર્ષ ૨૦૧૬માં પણ સરહદ પર દેશની રક્ષા કરતાં વીર જવાનોને અને તેમના પરિવારોને મદદરૂપ થવા માટે ‘સૈનિક કલ્યાણ નિધિ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના વિદ્યાર્થીઓ, સ્ટાફ તેમજ જૂનાગઢના નાગરિકો દ્વારા કુલ રૂા. ૧૨,૬૬,૪૨૫/- નું અનુદાન એકત્રિત કરાયું હતું, જેમાં ડૉ. સુભાષ ફાઉન્ડેશનના રૂા. ૪,૩૩,૫૭૫/- ના અનુદાન સાથે કુલ રૂા. ૨૧,૦૦,૦૦૦/- નું અનુદાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રકમ જૂનાગઢના કલેક્ટરશ્રીને આર્મી વેલ્ફેર ફંડ-બેટલ કેઝયુલટીઝ માટે સુપ્રત કરવામાં આવી હતી. 
સૈનિક કલ્યાણ નિધિની ભવ્ય સફળતા બાદ ૧૦ વર્ષ પછી ફરી એકવાર દેશના વીરોની કર્તવ્યનિષઠાને બિરદાવવાના ભાગરૂપે ફરીવાર સૈનિકો અને તેમના પરિવારો માટે "શૌર્ય વંદના" અંતર્ગત ભંડોળ એકત્રિત કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. શૌર્ય વંદના કાર્યક્રમની શરૂઆત વિજય દિવસ તા. ૧૮ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે, જેમાં જુનાગઢ શહેર, તેમજ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકા મથકો પર ફંડ કલેક્શન માટે સ્ટોલ ઉભા કરવામાં આવશે. સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્થાના વિદ્યાર્થીઓ ભંડોળ એકત્રિત કરવા માટે જશે. 
આ ઉપરાંત જૂનાગઢના તમામ વિદ્યાર્થીઓ પણ આ ભગીરથ કાર્યમાં જાેડાઈ, અને તેઓની ભારતના સૈનિકો પ્રત્યે સંવેદના જાગૃત થાય, એ હેતુથી "One Student, One Rupee" અભિયાન પણ ચલાવવામાં આવશે, જેમાં જૂનાગઢ શહેરની તમામ શાળા અને કોલેજાેના વિદ્યાર્થીઓને રૂા. ૧ નું અનુદાન આપી આ કાર્યમાં ભાગીદાર બનવા અપીલ કરાશે. 
વર્ષ ૨૦૧૬ ની માફક આ વર્ષે પણ મળેલા અનુદાનની પારદર્શિતા જળવાય એ હેતુથી રૂા. ૧૦૦ થી વધુ રકમનું અનુદાન આપનાર દાતાશ્રીઓના નામ તથા અનુદાનની રકમની માહિતી ડૉ. સુભાષ યુનિવર્સીટીની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ તમામ દાતાશ્રીઓને દાનની રસિદ પણ આપવામાં આવશે. 
તા. ૧૬ ડિસેમ્બર થી તા. ૨૧ ડિસેમ્બર સુધી આ અભિયાન હાથ ધરવામાં આવશે અને તા. ૨૫ ડિસેમ્બરના રોજ સંસ્થાના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં એકત્રિત થયેલ અનુદાન ભારતીય સેનામાં ફરજ બજાવી ચુકેલા અધિકારીશ્રીઓને સુપ્રત કરવામાં આવશે. દરમ્યાન ગઈકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. તેમજ દેશહિત કાજે રક્ષા કરતા આપણા વીર જવાનોને પ્રોત્સાહિત કરવાના આ ઉમદા કાર્યમાં જૂનાગઢ તેમજ દેશના તમામ નાગરિકોને જાેડાવવામાં માટે ડો. સુભાષ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા તેમજ ડૉ. સુભાષ યુનિવર્સીટીના પ્રમુખ શ્રી રાજભાઈ ચાવડા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે. આવો આપણે સૌ સાથે મળીને દેશની સુરક્ષા માટે રાત-દિવસ સેવા આપતા સૈનિકોનું ઋણ ચુકવવા પહેલ કરીએ.