બાંગ્લાદેશમાં બળવાની સ્થિતિ : પાટનગર ઢાકામાં સ્થિતિ બેકાબુ : લશ્કર બોલાવાયું

ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવ્યા બાદ

બાંગ્લાદેશમાં બળવાની સ્થિતિ : પાટનગર ઢાકામાં સ્થિતિ બેકાબુ : લશ્કર બોલાવાયું

(એજન્સી)             ઢાકા તા.૧૮ : 
બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ચરમસીમાએ પહોંચ્યું છે. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને વર્ષ ૨૦૨૪ના જુલાઈ-ઓગસ્ટ માસમાં થયેલા વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ પર જીવલેણ બળપ્રયોગ કરવા અને ‘માનવતા વિરુદ્ધના ગુનાઓ‘ આચરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઢાકાની વિશેષ ‘આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ‘ દ્વારા સોમવારે શેખ હસીના અને તેમના તત્કાલીન ગૃહ પ્રધાન અસદુઝ્ઝમાન ખાનને ગેરહાજરીમાં જ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
આ ચુકાદો આવતાની સાથે જ રાજધાની ઢાકા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ‘માનવતા વિરુદ્ધના ગુનાઓ‘ બદલ એક વિશેષ ટ્રિબ્યુનલ દ્વારા તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. આ ઐતિહાસિક ચુકાદાના પગલે મોડી સાંજથી રાજધાની ઢાકામાં ભારે હિંસા અને અરાજકતા વ્યાપી ગઈ છે. ચુકાદાથી ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓના ટોળાં શેખ હસીનાના પિતાના નિવાસસ્થાનને તોડી પાડવાના ઇરાદે બુલડોઝર સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમની સુરક્ષા દળો સાથે ઉગ્ર અથડામણ થઈ હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા અશ્રુવાયુના શેલ છોડ્યા અને ભારે લાઠીચાર્જ કર્યો હતો. વચગાળાની યુનુસ સરકાર માટે સ્થિતિ નિયંત્રણ બહાર જતાં સેનાને તૈનાત કરવામાં આવી છે અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ‘દેખો ત્યાં ઠાર‘ના આદેશ જારી કરાયા છે.