બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું જૂનાગઢનું નામ: 'ટગ ઓફ વોર નેશનલ ચેમ્પિયનશિપ'માં મેળવ્યો બ્રોન્ઝ મેડલ.

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું જૂનાગઢનું નામ: 'ટગ ઓફ વોર નેશનલ ચેમ્પિયનશિપ'માં મેળવ્યો બ્રોન્ઝ મેડલ.

જૂનાગઢ તા.13
જૂનાગઢની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત સંસ્થા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના રમતગમત ક્ષેત્રે વધુ એક સુવર્ણ યશકલગી ઉમેરાઈ છે. કોલેજના રમતગમત વિભાગના તેજસ્વી વિદ્યાર્થી દેગામા કરણે જમ્મુ-કાશ્મીર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાત અને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ સ્થિત જી.ક્યુ. પબ્લિક સ્કૂલના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ 22 થી 29 જૂન,2026 દરમિયાન '28મી સબ-જુનિયર, 39મી જુનિયર અને 39મી સિનિયર ટગ ઓફ વોર નેશનલ ચેમ્પિયનશિપ (પંડિત ગૌતમ કૌલ કપ 2026-27)' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 'ટગ ઓફ વોર ફેડરેશન ઓફ ઇન્ડિયા' (Tug-of-War Federation of India) અને 'જમ્મુ અને કાશ્મીર ટગ ઓફ વોર એસોસિએશન' દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરની વિવિધ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.
આ 39મી નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશિપમાં અદભુત ખેલદિલી અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરીને 'ટીમ ગુજરાત સમગ્ર ભારતમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને દેશભરમાં કાંસ્ય પદક મેળવવામાં સફળ રહી છે. ગુજરાતની આ વિજેતા ટીમમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી દેગામા કરણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિદ્યાર્થી કરણ દેગામાની આ ઐતિહાસિક સફળતા પાછળ તેની પોતાની અથાગ પ્રેક્ટિસ અને કોલેજના રમતગમત વિભાગના અધ્યક્ષ ડો. મોહસીન આઝાદ કુરેશીનું સચોટ અને પ્રોત્સાહક માર્ગદર્શન રહેલું છે. ડો. કુરેશીએ વિદ્યાર્થીઓની ક્ષમતાને ઓળખી, તેમની સાથે સતત મેદાન પર રહીને જે સખત મહેનત કરાવી હતી, આજે તેનું જ આ મધુર ફળ કોલેજ અને ગુજરાત રાજ્યને પ્રાપ્ત થયું છે. રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીતીને કોલેજ પરત ફરેલા ખેલાડી કરણ દેગામાનું કોલેજ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી પ્રસંગે કોલેજના આદરણીય આચાર્ય ડો. જે. આર. વાંઝા સાહેબ તથા તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. પી. વી. બારસીયા સાહેબ દ્વારા વિદ્યાર્થી કરણ દેગામાને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ અવસરે કોલેજના આચાર્યએ કરણની સિદ્ધિને બિરદાવતા વિસ્તૃત સંદેશમાં જણાવ્યું હતું કે "અમારી કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ કાશ્મીરની ધરતી પર પોતાની અદભુત પ્રતિભા સાબિત કરીને માત્ર સંસ્થાનું જ નહીં, પરંતુ સમગ્ર જૂનાગઢ જિલ્લા અને ગુજરાત રાજ્યનું નામ દેશભરમાં રોશન કર્યું છે. રમતગમત એ વિદ્યાર્થીના જીવનમાં શારીરિક ક્ષમતા, શિસ્ત અને માનસિક દ્રઢતા લાવવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે. કરણની આ અદભુત સફળતા કોલેજના અન્ય વિદ્યાર્થીઓ માટે પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા અને દેશનું નામ રોશન કરવા માટે એક ખૂબ જ મોટો પ્રેરણારૂપ સ્ત્રોત બનશે. અમારી સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અને આવી રમતગમતની પ્રવૃત્તિઓને દરેક સ્તરે પ્રોત્સાહન પૂરું પાડવા માટે હંમેશાં કટિબદ્ધ છે. આથી કૉલેજ પરિવાર રમતગમત વિભાગના અધ્યક્ષ ડો. કુરેશી સર અને વિજેતા ખેલાડી કરણને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને આશીર્વાદ આપે છે કે કરણ ભવિષ્યમાં વધુ ઉચ્ચ શિખરો સર કરે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરીને દેશ માટે સુવર્ણ પદક પ્રાપ્ત કરે."