માણાવદરના જીલાણા ગામે સેવાસેતુ કાર્યક્રમનું મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યું નિરીક્ષણ
લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરી સરકારી સેવાઓ અંગે મેળવ્યા પ્રતિભાવો; ગ્રામજનોને સરળતાથી યોજનાઓનો લાભ મળે તે માટે અધિકારીઓને સંકલિત કામગીરી કરવા સૂચન
જૂનાગઢ તા.૨૫
રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ માણાવદર તાલુકાના જીલાણા ગામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત સેવાસેતુ કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ સરકારી વિભાગોની કામગીરીની જાણકારી મેળવી લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો અને તેમને મળી રહેલી સેવાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા.
જીલાણા ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા ગ્રામજનોને સ્થળ પર જ સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. મંત્રી બાવળીયાએ નાગરિકોને સરકારી સેવાઓનો લાભ સરળ અને સુલભ રીતે મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મંત્રીએ વિવિધ વિભાગોના સ્ટોલ અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ગ્રામજનોની સુખાકારી સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ પાત્ર લોકો સુધી પહોંચે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓને સંકલિત રીતે કામગીરી કરવા સૂચન કર્યું હતું.
આ પ્રસંગે કુંવરજીભાઈ બાવળીયાએ શાળાના બાળકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો અને આધારકાર્ડ સંબંધિત બાબતો અંગે તેમની સાથે સંવાદ સાધ્યો હતો. ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ પાસેથી તેમને મળેલી સેવાઓ અને યોજનાઓના લાભ અંગે માહિતી મેળવી હતી.
સેવાસેતુ કાર્યક્રમમાં વન વિભાગ, PGVCL અને આરોગ્ય વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ દ્વારા સ્થળ પર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. પોષણ માહ સપ્તાહ અંતર્ગત આંગણવાડીની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું અને આંગણવાડી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.
સેવાસેતુ કાર્યક્રમની સાથે ગ્રામજનો માટે આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનો જીલાણા તેમજ આસપાસના ગામોના લોકોએ લાભ લીધો હતો. મંત્રી બાવળીયાએ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધુડા, મામલતદાર એસ.બી. ખાંભલીયા, જીલાણા ગામના આગેવાન વિશાલભાઈ મેંદપરા સહિત વિવિધ ગામોના આગેવાનો, સરકારી વિભાગોના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




