વંથલીમાં ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો, ત્રણ જિલ્લાના આશરે 800 યુવાનોને તક

શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ યુવાનો સાથે કર્યો પ્રત્યક્ષ સંવાદ; ઔદ્યોગિક એકમો સહિત આશરે 40 નોકરીદાતાઓ ભરતી મેળામાં જોડાયા

વંથલીમાં ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો, ત્રણ જિલ્લાના આશરે 800 યુવાનોને તક

જૂનાગઢ તા.૨૫
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. વંથલીના શ્રી દેવપ્રસાદજી સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસ ખાતે આયોજિત આ ભરતી મેળામાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના આશરે 800 રોજગારવાંચ્છુ યુવાનો તેમજ ઔદ્યોગિક ક્ષેત્ર સહિતના આશરે 40 નોકરીદાતાઓએ ભાગ લીધો હતો.
રોજગાર ભરતી મેળા દરમિયાન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ યુવાનોને પ્રોત્સાહિત કરવાની સાથે તેમની સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા રોકાણના કારણે યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાત મુજબનું કુશળ માનવબળ તૈયાર કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ મારફતે વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કુંવરજીભાઈ બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. તાલુકા કક્ષાની ITI સંસ્થાઓમાં નવા ટ્રેડની સાથે રોજગારલક્ષી સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. રોજગાર વિભાગ નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુ યુવાનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યો હોવાનું જણાવી તેમણે યુવાનોને ઉપલબ્ધ રોજગારીની તકોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મંત્રી બાવળીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર સંબંધિત વિઝનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે યુવાનોને તેમની આવડત નિખારવાની સાથે પસંદગીના ક્ષેત્રમાં રોજગારીની તક મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ રોજગારવાંચ્છુ યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે યુવાનોને સતત નવું શીખવા અને ક્રિએટિવ અભિગમ અપનાવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે ડૉક્ટર અને એન્જિનિયરિંગ ઉપરાંત પણ અનેક ક્ષેત્રોમાં રોજગારીની તકો ઉપલબ્ધ છે અને કાર્યકુશળતા તથા કૌશલ્યવર્ધન દ્વારા સફળતા મેળવી શકાય છે.
કાર્યક્રમના અંતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ભરતી મેળાની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી નોકરીદાતાઓ અને યુવાનો સાથે સંવાદ કર્યો હતો. ઔદ્યોગિક એકમોને જરૂરી માનવબળ અને યુવાનોને રોજગારી મળી રહે તે માટે જરૂરી સંકલન કરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢના ઇન્ચાર્જ રોજગાર અધિકારી બી.એ. પરમારે સ્વાગત કર્યું હતું, જ્યારે અંતે ITI જૂનાગઢના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વાય.વી. જોષીએ આભારવિધિ કરી હતી. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આ ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન ઓડેદરા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, પ્રાંત અધિકારી નિકુંજકુમાર ધુળા, રાજકોટના નાયબ નિયામક રોજગાર સી.કે. મારડિયા, અગ્રણી ગીતાબેન ત્રાંબડિયા, રોજગાર ઇન્સ્પેક્ટર વી.આર. ગઢીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.