જૂનાગઢમાં ‘સ્પે. ખેલ મહાકુંભ-2026’ માટે રજિસ્ટ્રેશન અને માર્ગદર્શન શિબિર યોજાઈ

21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ માટે જિલ્લાથી રાજ્યકક્ષા સુધી સ્પર્ધાઓ; 30 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન, વિજેતાઓને રૂ.2 હજારથી રૂ.10 હજાર સુધી રોકડ પુરસ્કાર

જૂનાગઢમાં ‘સ્પે. ખેલ મહાકુંભ-2026’ માટે રજિસ્ટ્રેશન અને માર્ગદર્શન શિબિર યોજાઈ
AI Image

જૂનાગઢ,તા. ૨૫
ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ ખેલાડીઓને પોતાની રમતગમતની પ્રતિભા દર્શાવવા માટે ‘સ્પે. ખેલ મહાકુંભ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓના રજિસ્ટ્રેશન તેમજ સ્પર્ધાઓ અંગે માર્ગદર્શન આપવા માટે વિશેષ શિબિર યોજવામાં આવી હતી.
આ શિબિરમાં જૂનાગઢ જિલ્લાના મોટી સંખ્યામાં સ્પેશિયલ એજ્યુકેટર્સ અને સંબંધિત રમતગમત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટેની નોંધણી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, વિવિધ સ્પર્ધાઓ તેમજ ખેલાડીઓને મળનારી સુવિધાઓ અને પુરસ્કારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
‘સ્પે. ખેલ મહાકુંભ-2026’ અંતર્ગત માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ખેલાડીઓ, શ્રવણ મંદ, સેરેબ્રલ પાલ્સી અને ઓટિઝમ સહિત કુલ 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવશે.
ખેલાડીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 18/09/2026થી શરૂ થઈ છે અને તા. 30/10/2026 સુધી ચાલુ રહેશે. રજિસ્ટ્રેશન વખતે દિવ્યાંગ ખેલાડીએ કાયમી અથવા સિવિલ સર્જનનું માન્ય મેડિકલ સર્ટિફિકેટ, આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની સ્પષ્ટ નકલ રજૂ કરવાની રહેશે.
જિલ્લાકક્ષાએ વિજેતા બની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને ટી-શર્ટ અને કેપ આપવામાં આવશે. સ્પર્ધાઓ દરમિયાન ખેલાડીઓ, એસ્કોર્ટ અને ઓફિશિયલ્સ માટે દૈનિક ભોજન ખર્ચ તેમજ નિયમ મુજબ પ્રવાસ ભથ્થું પણ ચૂકવવામાં આવશે.
વ્યક્તિગત રમતોમાં જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીને રૂ.5,000, દ્વિતીયને રૂ.3,000 અને તૃતીયને રૂ.2,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે રાજ્યકક્ષાની વ્યક્તિગત રમતોમાં પ્રથમ વિજેતાને રૂ.10,000, દ્વિતીયને રૂ.7,000 અને તૃતીયને રૂ.5,000નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
જૂનાગઢ જિલ્લાના વધુમાં વધુ દિવ્યાંગ ખેલાડીઓ ‘સ્પે. ખેલ મહાકુંભ-2026’માં ભાગ લે તે માટે તમામ સંસ્થાઓ, શાળાઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે સંપર્ક નંબર 76229 10263 પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવની અખબારી યાદીમાં જણાવાયું છે.