મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત “અમે ચોક્કસ મતદાન કરીશું”ના શપથ લેતા રાજકોટ જીલ્લાની વિવિધ કોલેજોના જાગૃત વિદ્યાર્થીઓ
રાજકોટ તા.૧૬
લોકશાહીના પર્વ સમાન સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આગામી તા.૨૬ એપ્રિલના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ ભારતીય નાગરિકને મતદાન કરવાનો મતાધિકાર મળે છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મતદાનની ટકાવારી વધારવા અને યુવા મતદારોમાં જાગૃતિ લાવવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના અંતર્ગત વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ મતદાનના શપથ લીધા હતાં. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને યુવા મતદાતાઓ તેમના અધિકાર માટે આગળ આવે તે માટે કોલેજમાં વિશેષરૂપે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં રાજકોટ શહેર ખાતે એચ. એન્ડ. એચ. બી. કોટક સાયન્સ કોલેજ, મણીભાઈ વિરાણી તથા નવલબેન વિરાણી સાયન્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ મતદાન અંગે શપથ લીધા હતાં.
જયારે રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ડુમિયાણી સ્થિત બી. આર. એસ. કોલેજ ખાતે યુવા વિદ્યાર્થીઓ હોંશભેર મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જોડાઈ “અમે ચોક્કસ મતદાન કરવા જઈશું” તેવા શપથ લીધા હતાં. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ યુવા મતદાતાઓ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોએ લોકશાહીમાં મતના મહત્વ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં નાગરિકોની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતાધિકારના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિતોએ મતદાન કરવાના શપથ લીધા હતાં. આ ચૂંટણીલક્ષી જાગૃતિ અભિયાન હેઠળ ધોરાજીની કે. ઓ. શાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. યુવાઓએ મતદાન કરવાના સંકલ્પ સાથે કોઈપણ લોભ-લાલચ વગર મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત, જેતપુરની જી.કે. એન્ડ સી.કે. બોસમિયા કોલેજ ખાતે આજ રોજ એન.એસ.એસ. (નેશનલ સવિર્સ સ્કીમ) વિભાગ દ્વારા શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને અન્ય વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે મતદાન જાગૃતિ અંગેના શપથ લીધા હતા. આમ, રાજકોટ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં યુવા પેઢીને લોકશાહીના પર્વમાં સક્રિય ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતાં.


