રાણી મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન, બોલિવૂડમાં શોક

પરિવારે નિવેદન જાહેર કરી નિધનની આપી માહિતી અને પ્રાઇવસી જાળવવા કરી અપીલ; રાણી મુખર્જીના જીવન અને અભિનય સફરમાં માતા કૃષ્ણા મુખર્જી રહ્યા હતા મોટી પ્રેરણા

રાણી મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન, બોલિવૂડમાં શોક

મુંબઈ, તા.૨૩
બોલિવૂડ અભિનેત્રી રાણી મુખર્જીના માતા અને પૂર્વ પ્લેબેક સિંગર કૃષ્ણા મુખર્જીનું 75 વર્ષની વયે નિધન થયું છે. પરિવારે મંગળવારે એક નિવેદન જાહેર કરીને આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કૃષ્ણા મુખર્જીએ મંગળવારે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ પરિવાર અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કૃષ્ણા મુખર્જીના નિધનની પુષ્ટિ કરવાની સાથે આ સમય પરિવાર માટે અત્યંત મુશ્કેલ હોવાનું જણાવવામાં આવ્યું છે. પરિવારે આ દુઃખની ઘડીમાં તેમની પ્રાઇવસીનું સન્માન કરવા અપીલ કરી છે. સાથે જ કૃષ્ણા મુખર્જી અને પરિવાર પ્રત્યે દર્શાવવામાં આવેલા પ્રેમ, પ્રાર્થનાઓ અને સહાનુભૂતિ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો છે.
રાણી મુખર્જી પોતાની માતા કૃષ્ણા મુખર્જીની ખૂબ નજીક હોવાનું અનેક પ્રસંગોએ જણાવી ચૂકી છે. રાણી માટે તેમની માતા માત્ર પરિવારના સભ્ય જ નહીં પરંતુ વ્યક્તિગત જીવનથી લઈને અભિનયની સફર સુધી સતત પ્રેરણાસ્ત્રોત રહ્યાં હતાં. ખાસ કરીને બંગાળી સંસ્કૃતિ, પારિવારિક મૂલ્યો અને માતૃત્વને સમજવામાં પોતાની માતાની મોટી અસર રહી હોવાનું રાણીએ અગાઉ જણાવ્યું હતું.
રાણી મુખર્જીની વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે’ દરમિયાન પણ કૃષ્ણા મુખર્જીની પ્રેરણાનો ઉલ્લેખ થયો હતો. આ ફિલ્મમાં રાણીએ પોતાના બાળકોને પાછા મેળવવા માટે સંઘર્ષ કરતી એક બંગાળી માતાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ વાસ્તવિક ઘટનાથી પ્રેરિત હતી, પરંતુ પાત્રને પડદા પર રજૂ કરતી વખતે પોતાની માતાના વ્યક્તિત્વ અને તેમની નાની-નાની આદતોમાંથી પણ પ્રેરણા લીધી હોવાનું રાણીએ ફિલ્મના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું.
રાણીના જણાવ્યા અનુસાર કૃષ્ણા મુખર્જી તેના માટે બંગાળી સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ હતાં. બાળકોને પોતાના હાથે ભોજન કરાવવું, પરિવારની કાળજી રાખવી અને પરંપરાઓને જીવનનો હિસ્સો બનાવી રાખવા જેવી માતાની અનેક બાબતોએ ‘મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે’માં માતાના પાત્રની લાગણીઓને સમજવામાં મદદ કરી હતી.
કૃષ્ણા મુખર્જીનો ફિલ્મ અને મનોરંજન જગત સાથેનો સંબંધ માત્ર રાણી મુખર્જીના માતા હોવા પૂરતો મર્યાદિત નહોતો. તેઓ પોતે પણ પ્લેબેક સિંગર તરીકે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યાં હતાં. આ કારણે રાણીનું બાળપણ પણ ફિલ્મ અને સંગીત સાથે જોડાયેલા વાતાવરણમાં પસાર થયું હતું.
કૃષ્ણા મુખર્જીના લગ્ન ફિલ્મમેકર રામ મુખર્જી સાથે થયા હતા. રામ મુખર્જી લાંબા સમય સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા હતા અને ફિલ્માલય સ્ટુડિયોઝ સાથે પણ તેમનો ગાઢ સંબંધ હતો. વર્ષ 2017માં રામ મુખર્જીનું નિધન થયું હતું.
રાણી મુખર્જીએ પોતાની લાંબી ફિલ્મી કારકિર્દીમાં અનેક અલગ પ્રકારનાં અને પડકારજનક પાત્રો ભજવ્યાં છે, પરંતુ તેના અંગત અને વ્યવસાયિક જીવનમાં માતા કૃષ્ણા મુખર્જીનું સ્થાન હંમેશાં વિશેષ રહ્યું હતું. કૃષ્ણા મુખર્જીએ દીકરીની અભિનય સફરને નજીકથી જોઈ હતી અને વર્ષો સુધી તેને માર્ગદર્શન તથા પ્રેરણા આપતા રહ્યાં હતાં. હવે તેમના નિધનથી મુખર્જી પરિવારે પરિવારના એક મહત્વપૂર્ણ સભ્યને ગુમાવ્યા છે.