શિવરાત્રી મેળા માટે અનામત રાખવામાં આવેલી ભવનાથની પ૭ એકરની જમીન પાર આવેલા દબાણો તંત્ર કયારે દુર કરશે ?

નાના દબાણો દુર કરાયા છે તો મોટા માથાઓનાં દબાણો કેમ દુર કરવામાં આવતા નથી ?

શિવરાત્રી મેળા માટે અનામત રાખવામાં આવેલી ભવનાથની પ૭ એકરની જમીન પાર આવેલા દબાણો તંત્ર કયારે દુર કરશે ?

જૂનાગઢ તા. ૧૭
શિવરાત્રીનાં પાંચ દિવસનાં મેળાની ભારે ભભકા સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી અને સૌએ ખાધુ, પીધું અને રાજ કર્યુ જેવી સ્થિતી વચ્ચે આજે મુખ્ય સવાલ એ ઉઠે છે કે, શિવરાત્રીના મેળા માટે સેટલમેન્ટ અનુસાર કુલ પ૭ એકરની જગ્યા અનામત રાખવામાં આવી હતી.  પરંતુ હાલ આ જગ્યામાંથી મોટાભાગની જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો થયા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે. આ દબાણો તંત્ર કયારે દુર કરશે તે મોટો સવાલ છે. 
જૂનાગઢ નજીક આવેલ ભવનાથમાં ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં પરંપરાગત શિવરાત્રીનો મેળો યોજાઈ છે. ભવેશ્વરનો મેળો એટલે કે શિવરાત્રીના મેળા માટે જે તે વખતે સેટલમેન્ટમાં કુલ પ૭ એકરની જગ્યા ખાસ શિવરાત્રીનાં મેળા માટે જ ખુલ્લી રાખવામાં આવી હતી. દર વર્ષે શિવરાત્રીનો મેળો યોજાતો રહયો અને મેળામાં આવનાર ભાવિકોની સંખ્યા વધતી રહી હતી. ઉપરાંત સેવાભાવી કાર્યકર્તા, મંડળો દ્વારા ધર્મસ્થાનોમાં અન્નક્ષેત્ર શરૂ થવા લાગ્યા અને ભાવિકોને પ્રેમથી પ્રસાદ, ભોજન કરાવવામાં આવે છે.
 અગાઉ શિવરાત્રી મેળાનું આયોજન અને કામગીરી જૂનાગઢ જીલ્લા પંચાયત હસ્તક  કરવામાં આવતી હતી અને સમય જતાં છેલ્લા અઢી દાયકાથી શિવરાત્રી મેળાનું આયોજન મનપા તંત્ર દ્વારા કરવામાં આવતું રહયું છે. કોર્પોરેશન તંત્રના વહીવટી સમયમાંજ ભવનાથમાં આવેલી ખાસ શિવરાત્રી મેળા માટેની પ૭ એકરની જગ્યામાં ધીમે ધીમે દબાણો વધવા લાગ્યા અને ર૦ર૬નાં વર્ષ સુધીમાં અડધા ઉપરાંતની જગ્યામાં દબાણો થઈ ગયા છે. દરમ્યાન ચાલુ વર્ષ એટલે કે ર૦ર૬નાં વર્ષમાં ગત તા.૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન શિવરાત્રીનો મેળો ઉજવાયો અને અતિ ભવ્ય રીતે ઉજવાયો. આ મેળામાં અનેક નવા પ્રકલ્પો થયા, ખાસ કરીને મેળાનો વ્યાપ વધારવા માટે ભવનાથમાં ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી અને થોડી ઘણી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. વાત દબાણ દુર કરવાની છે તેમાં જે દબાણ દુર થયા તે માત્રને માત્ર નાના  ધંધાર્થી કે નાના માણસોનાં દબાણ દુર થયા છે. જયારે મોટાભાગનાં દબાણો હજુ યથાવત છે. 
સેટલમેન્ટ અનુસાર જે પ૭ એકરની જગ્યા હતી તેમાં કોણે દબાણ કર્યા છે તે તંત્ર પણ જાણે છે અને સરકાર પણ જાણે છે. તેમજ ભવનાથમાં બિરાજતાં સંતો પણ જાણે જ છે. તે પણ એટલું જ સત્ય છે. શિવરાત્રી મેળાનાં આયોજનમાં આડખીલીરૂપ બનેલા નાના દબાણો તંત્રએ  દુર તો કર્યા છે ત્યારે ‘મોટા’ઓનાં ગેરકાયદેસર  સરકારી અનામત જગ્યા ઉપર પચાવી પાડવાનાં કારસાનાં ભાગરૂપે ખડકી નાખવામાં આવેલા એ દબાણો દુર કરવામાં તંત્રને કોની શરમ નડે છે? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. ભવનાથમાં યોજાતા શિવરાત્રી મેળા માટે અગાઉ કેટલી જગ્યા હતી અને હાલ કેટલી જગ્યા બાકી છે તે બાબતે તંત્ર દ્વારા જુનું રેકર્ડ તપાસવું પડશે તેમજ ભવનાથ વિસ્તારમાં શિવરાત્રીનાં મેળા માટેની જગ્યામાં થયેલા દબાણોનો સર્વે કરી અને આવા દબાણો દુર કરવા માટે તંત્ર દ્વારા કયારે કાર્યવાહી થશે? તેવો સવાલ લોકોમાં ઉઠી રહયો છે.