હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં, મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી
પોતાના સાથી પક્ષ ભાજપને પરોક્ષ રીતે ઈશારો કરતા શિંદેએ વધુમાં કહ્યું, "મને ખબર છે કે કોણ શું કરી રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ખટરાગ ચરમસીમાએ પહોંચી ગયો છે. શિવસેના અને ભાજપ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે ખુદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઝંપલાવ્યું છે. શનિવારે તેમણે અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, જાે તેમના કાર્યકરોને પરેશાન કરવામાં આવ્યા કે તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો તો તેમને "એકનાથ શિંદેના ગુસ્સાનો સામનો કરવો પડશે."
પોતાના સાથી પક્ષ ભાજપને પરોક્ષ રીતે ઈશારો કરતા શિંદેએ વધુમાં કહ્યું, "મને ખબર છે કે કોણ શું કરી રહ્યું છે. હું અત્યારે ચૂપ છું અને મને ચૂપ જ રહેવા દો. મને બધાના રહસ્યો ખબર છે. હું કોઈને પરેશાન નથી કરતો, પણ જાે કોઈ મને હેરાન કરે છે, તો હું તેને છોડતો પણ નથી." મુખ્યમંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ છે કે મહાયુતિ ગઠબંધનમાં બધું બરાબર નથી અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરી શકે છે.
નાયબ મુખ્યમંત્રીની આ આકરી ટિપ્પણી શિવસેનાના ધારાસભ્ય નિલેશ રાણે વિરુદ્ધ સિંધુદુર્ગ પોલીસ દ્વારા એફઆઈઆર (FIR) નોંધાયા બાદ આવી છે. નિલેશ રાણે પર ભાજપના એક સમર્થકના ઘરમાં "ગેરકાયદે રીતે પ્રવેશ" કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, નિલેશ રાણેએ ભાજપના સમર્થકના ઘરે "છાપો" મારીને દાવો કર્યો હતો કે ત્યાં મતદારોને વહેંચવા માટે રોકડ ભરેલી બેગ રાખવામાં આવી હતી. આ ઘટનાને પગલે બંને સાથી પક્ષો વચ્ચે તણાવ વધી ગયો છે.
શનિવારે સતારાના ફલટણ જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા મુખ્યમંત્રી શિંદેએ સ્પષ્ટપણે કહ્યું, "હું અધિકારીઓને કહેવા માંગુ છું કે કોઈ પણ ગેરકાયદેસર કામ ન કરો. ખોટી ફરિયાદો પર ધ્યાન ન આપો અને જાે કોઈ તમારા પર દબાણ કરી રહ્યું હોય તો તેની સામે ઝૂકશો નહીં. જાે તમે અમારી પાર્ટીના કાર્યકરો સાથે અન્યાય કરશો, તો તમારે એકનાથ શિંદેના ગુસ્સાનો સામનો કરવો
પડશે."


