અમેરીકામાં પણ રેવડી કલ્ચર : ટ્રમ્પે પ્રત્યેક નાગરીકને પ,૦૦૦ ડોલર આપવાનું વચન આપ્યું

અમેરીકામાં પણ રેવડી કલ્ચર : ટ્રમ્પે પ્રત્યેક નાગરીકને પ,૦૦૦ ડોલર આપવાનું વચન આપ્યું

(એજન્સી)       વોશિંગ્ટન તા.૧૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં બહુમતી જાળવી રાખશે, તો દરેક પુખ્ત અમેરિકનને ૫૦૦૦ ડોલર (લગભગ ૪.૭૬ લાખ રૂપિયા) આપવામાં આવશે.
ડલાસમાં રિપબ્લિકન કન્વેન્શનમાં ટ્રમ્પે કહ્યું, “જો રિપબ્લિકન પ્રતિનિધિ સભા અને સેનેટ બંનેમાં જીતશે, તો તમને ૫૦૦૦ ડોલર મળશે.” તેમણે તેને ‘ટ્રમ્પ ડિવિડન્ડ’ નામ આપ્યું અને કહ્યું કે આ અમેરિકાની “આર્થિક તાકાત અને સફળતા”ને કારણે આપવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે ડિવિડન્ડની રકમ અમેરિકામાં જ ખર્ચ કરવી પડશે. જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે આ માટે પૈસા ક્યાંથી આવશે, ચુકવણીનો વ્યાપ શું હશે અને રકમ કઈ રીતે વહેંચવામાં આવશે. દરેક પુખ્ત અમેરિકનને ૫,૦૦૦ ડોલર આપવાની યોજના પર સરકારને ૧ ટ્રિલિયન ડોલરથી વધુ ખર્ચ કરવો પડશે. તેને લાગુ કરવા માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી રહેશે.