આગામી ૬ માસમાં સોનાનો ભાવ રૂા.ર લાખને વટાવી જવાની શકયતા
અમદાવાદ તા.૨૯
આગામી તહેવારો અને લગ્નસરાની સીઝનને ધ્યાનમાં રાખીને વડોદરા, અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં તાજેતરમાં થયેલા ઘટાડાને કારણે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ અને ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળી જેવા શુભ મુહૂર્તો માટે લોકો અગાઉથી જ એડવાન્સ તથા પ્રી-બુકિંગ કરાવી રહ્યા છે. જ્યારે ગ્રાહકોમાં જૂનું સોનું આપીને નવું ખરીદવાનો ટ્રેન્ડ તેમજ યુવા વર્ગમાં ૯, ૧૪ અને ૧૮ કેરેટની જ્વેલરીની માંગ વિશેષ જોવા મળી રહી છે. જ્યારે વેપારીઓ આગામી ૬ મહિનામાં સોનું બે લાખને પાર થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
જ્વેલર્સના જણાવ્યા મુજબ વૈશ્વિક પરિસ્થિતિઓ, ડોલર ઇન્ડેક્સ અને માર્કેટ કરેક્શનના કારણે સોનાના ભાવ ઘટીને રૂ. ૧.૪૫ લાખ અને ચાંદીના ભાવ રૂ. ૧.૯૦ લાખ આસપાસ પહોંચતા ગ્રાહકો માટે ખરીદીની શ્રેષ્ઠ તક સર્જાઈ છે; તેમજ મોટાભાગના શહેરોમાં આ વર્ષે વેચાણમાં ૧૦થી ૩૦ ટકાનો વધારો થવાની ધારણા છે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહોને કારણે ભાવ ફરીથી વધવાની પૂરી શક્યતા દર્શાવવામાં આવી છે.


