આજે સવારે જેતપુર, ધોરાજી, ઉપલેટા પંથકની ધરતી ધણધણી : લોકોમાં ગભરાટ
દોઢ કલાકમાં ભૂકંપના ૬ આંચકા નોંધાયા : ધોરાજીમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ : ગત સાંજે અમરેલી, ખાંભા વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા
(બ્યુરો) રાજકોટ, તા.૯
સૌરાષ્ટ્રમાં ભૂકંપની ફોલ્ટલાઈન સક્રિય થતા જ આફટરશોકનો સીલસીલો શરૂ થઈ ગયો છે. જેમાં ગઈકાલે જેતપુર, ધોરાજી, ઉપલેટા, અમરેલીના ખાંભા, તાલાલા વિસ્તારમાં ચાર કલાકમાં ૬ આફટરશોક અનચુભવાયા બાદ ફરી આજે સવારના પણ ગોંડલ, જેતપુર, ધોરાજી પંથકમાં ભૂકંપના વધુ ૬ આચકા અનુભવાયા હતા. જેના પગલે લોકોમાં ભયના માહોલ સાથે ફફડાટ ફેલાય જવા પામેલ છે.
આ તમામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટા નજીક હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે ૮:૪૫ વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ આજે ફરી સવારે ભૂકંપ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.
ભૂકંપના પગલે ધોરાજીમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી ઘેર મોકલી દેવામાં આવેલ હતા. ગત સાંજના ૭-૧૬ વાગ્યાથી ૧૦-૪૫ વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્રમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા, અમરેલીના ખાંભા, તાલાલા, સહિતના વિસ્તારોમાં ૬ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો દુકાનો- મકાનો છોડી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવેલ હતા. ભૂકંપથી મકાનો- ઈમારતોના બારી બારણા ધણધણી ઉઠયા હતા. જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી.
જેમાં ગઈકાલે સાંજના ૭-૧૬ વાગ્યે અમરેલીના ખાંભા વિસ્તારમાં ૧.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યા બાદ ૮.૨૪ વાગ્યે ફરી બીજો ૧.૯ની તીવ્રતાનો આફટર શોક આવેલ હતો. જેનું કેન્દ્રબીંદુ અમરેલીથી ૪૧ કી.મી. દૂર નોંધાયુ હતું.
જૂનાગઢ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપની અસર અનુભવાઈ જૂનાગઢ શહેરમાં પણ આજે સવારે ૬.ર૦ કલાકના અરસામાં પણ કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકાની અસર વર્તાઈ હતી અને ભૂકંપની ઘરઘરાટીનો અવાજ લોકોએ અનુભવ્યો હોવાનું જાણવા મળેલ છે. જેતપુર-ધોરાજી પંથકમાં આવેલા ભૂકંપના આંચકાની અસર જૂનાગઢ સુધી વર્તાઈ હતી.


