ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ફરી વિવાદમાં, બિહાર-કાશ્મીર પર મજાક બાદ સમય રૈના સામે નારાજગી
‘સમય રૈના અને શેરોન વર્મા વચ્ચેના સંવાદની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ; રાજકીય નેતાઓએ પણ ટિપ્પણીઓ સામે ઉઠાવ્યા સવાલ
મુંબઈ, તા.૩૧
કોમેડિયન સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ ફરી વિવાદમાં આવ્યો છે. તાજેતરના એક એપિસોડમાં બિહાર અને કાશ્મીરને લઈને થયેલી મજાક બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા અને નારાજગી જોવા મળી રહી છે. વાયરલ થયેલી ક્લિપ્સને લઈને કેટલાક રાજકીય નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે.
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની પ્રથમ સીઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળેલી સ્ટેન્ડ-અપ કોમેડિયન શેરોન વર્મા તાજેતરના એપિસોડમાં પેનલિસ્ટ તરીકે સામેલ થઈ હતી. શો દરમિયાન સમય રૈના અને શેરોન વચ્ચે એકબીજાની પ્રાદેશિક પૃષ્ઠભૂમિને લઈને મજાક-મસ્તી થઈ હતી, જે બાદમાં વિવાદનું કારણ બની.
એપિસોડ દરમિયાન સમય રૈનાએ શેરોનની બિહાર સાથે જોડાયેલી પૃષ્ઠભૂમિ અંગે ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં શેરોને સમયની કાશ્મીરી પૃષ્ઠભૂમિને લઈને મજાક કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે બિહાર, મુંબઈમાં રોજગાર અને પોતાનું રાજ્ય છોડવા જેવા મુદ્દાઓને જોડીને વધુ ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
આ સંવાદની ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કેટલાક યુઝર્સે વાંધો ઉઠાવ્યો છે. ટીકાકારોનો આરોપ છે કે કોમેડીના નામે કોઈ પ્રદેશ કે સમુદાયને નિશાન બનાવતી આવી ટિપ્પણીઓથી લોકોની લાગણી દુભાઈ શકે છે. બીજી તરફ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર કોમેડીની મર્યાદા અને અભિવ્યક્તિ અંગેની ચર્ચાનું કારણ પણ બન્યો છે.
અહેવાલ મુજબ શિવસેનાના નેતા આનંદ દુબેએ સમય રૈનાની ટિપ્પણી અને શોની ટીકા કરી છે. બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ પણ નાગરિકો કે સમુદાયો અંગે અપમાનજનક ટિપ્પણીઓ સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું જણાવાયું છે. કોંગ્રેસના નેતા હરીશ રાવતે પણ કોમેડી દરમિયાન કોઈ સમુદાય અથવા વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે વધુ સાવધાની રાખવાની જરૂર હોવાનું જણાવ્યું છે.
શેરોન વર્મા સ્ટેન્ડ-અપ કોમેડિયન છે અને ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની પ્રથમ સીઝનમાં સ્પર્ધક તરીકે ભાગ લીધા બાદ ચર્ચામાં આવી હતી. તેમના ‘વીક ઈન્ડિપેન્ડેન્ટ વુમન’ એક્ટને પણ સોશિયલ મીડિયા પર પ્રતિસાદ મળ્યો હતો.
આ શો અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે. પ્રથમ સીઝનમાં રણવીર અલાહાબાદીયાની એક ટિપ્પણીને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ એપિસોડ્સ હટાવવા સહિતની કાર્યવાહી થઈ હતી અને આ મામલે FIR પણ નોંધાઈ હોવાનું સામે આવ્યું હતું.


