એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી દૂધ ઉત્પાદકોના જીવનમાં ક્રાંતિ આવશે
માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી થકી ઉચ્ચ આનુવાંશિક ગુણવત્તાવાળા પશુઓની ઓલાદ મેળવવાના કાર્યનો ઐતિહાસિક પ્રારંભ
(પંકજ ઝીબા દ્વારા)
તળાજા, તા.૯
“એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી અપનાવવાથી પશુઓના ઉચ્ચ આનુવાંશિક ગુણવત્તાવાળા બચ્ચાઓના જન્મ થકી દૂધ ઉત્પાદનમાં અસાધારણ વધારો થશે અને પરિણામે સમગ્ર વિસ્તારના દૂધ ઉત્પાદકોના જીવનમાં આર્થિક ક્રાંતિ આવશે.” તેમ તળાજાના મોટા ઘાણા ખાતે માહી ડેરી દ્વારા એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીના કાર્યના શુભારંભ પ્રસંગે એન.ડી.ડી.બી.ના ચેરમેન ડો. મીનેશ શાહના વિઝનને દર્શાવતા એનડીડીબી ડેરી સર્વિસીસના મેનેજિંગ ડીરેક્ટર ડો. સી.પી.દેવાનંદે જણાવ્યું હતું.
માહી દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છના દૂધ ઉત્પાદક સદસ્યોના પશુઓ માટે એમ્બ્રિયો ટ્રાન્સફરના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. તળાજા, પાલિતાણા અને તેની આસપાસના વિસ્તારના દૂધ ઉત્પાદકોનો એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીના કાર્યના પ્રારંભ માટે અદભૂત પ્રતિસાદ સાંપડયો છે. તેથી તળાજાના મોટા ઘાણા ગામમાં આ કાર્યનો પ્રારંભ કરવા એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધ ઉત્પાદક સભ્યોને અભિનંદન આપતા એનડીડીબી ડેરી સર્વિસીસના મેનેજિંગ ડીરેક્ટર ડો. સી.પી.દેવાનંદે જણાવ્યું હતું કે, દૂધનું ઉત્પાદન વધારવા માટે માત્ર પશુઓની સંખ્યા જ વધારવી પૂરતી નથી, પરંતું પશુઓની આનુવાંશિક ગુણવત્તામાં સતત સુધારો કરવો પણ ખૂબ જ જરૂરી છે ત્યારે આ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી તે દિશામાં મહત્વનું કદમ છે. તેમણે આ પ્રોજેક્ટ થકી પશુઓની આનુવાંશિક ગુણવત્તામાં ઝડપથી સુધારો લાવી શકાશે અને તેની સાથે દૂધ ઉત્પાદનમાં વધારા સાથે પશુપાલનની લાંબાગાળાની આર્થિક સક્ષમતા વધારી શકાશે તેમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે માહી ડેરીના ચેરમેન શ્રી વિજયભાઈ ઓડેદરાએ તેમના ઉદબોધનમાં આ ટેકનોલોજીથી દૂધ ઉત્પાદનમાં અસાધારણ વધારા સાથે પશુપાલકોના જીવનમાં આર્થિક ક્રાંતિ આવશે તેમ જણાવ્યું હતું. માહીના ચીફ એકિઝકયુટીવ આલોક કુમાર ગુપ્તાએ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં આ ટેકનોલોજીના માધ્યમથી ખૂબ જ ટૂંકા સમયમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અને વધુ દૂધ આપતા પશુઓની સંખ્યા વધારી શકાશે તેમ જણાવી આ વિસ્તારના દૂધ ઉત્પાદકો માટે પશુપાલન ખર્ચ ઘટાડી અને આર્થિક ઉપાર્જન વધારવા આ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા બદલ એન.ડી.ડી.બી.અને એનડીડીબી ડેરી સર્વિસીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એનડીડીબી ડેરી સર્વિસીસના ડો. એસ.પી.સિંઘે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી અંગે ઉડાણથી માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. વસંત કાલરીયાએ તેમની આગવી શૈલીમાં કર્યુ હતું. આ પ્રસંગે માહી ડેરીના બોર્ડ મેમ્બર્સ, ભાવનગર તથા આસપાસના જિલ્લામાંથી મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.


