જૂનાગઢમાં બીનખેતી કર્યા વિના જ ધમધમતા ૧૧ પાર્ટી પ્લોટને રૂા. ર.પ૦ કરોડનો દંડ ભરવા કલેકટરની નોટીસ

જૂનાગઢમાં બીનખેતી કર્યા વિના જ ધમધમતા ૧૧ પાર્ટી પ્લોટને રૂા. ર.પ૦ કરોડનો દંડ ભરવા કલેકટરની નોટીસ
AI Image

જૂનાગઢ તા. ૧પ
જૂનાગઢ શહેરનાં ઝાંઝરડા રોડ, ખલીલપુર રોડ અને મધુરમ સહીતનાં વિસ્તારોમાં છેલ્લા કેટલાય વર્ષો થયા બેરોકટોક ધમધમી રહેલા પાર્ટી પ્લોટ સામે દંડનાત્મક કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતા પાર્ટી પ્લોટ ઘારકોમાં હલચલ મચી જવા પામી હતી. જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા ૧૧ પાર્ટી પ્લોટ સામે આકરૂ વલણ અપનાવી અને અંદાજીત રૂા. ર.પ૦ કરોડનો દંડ ફટકારતી નોટીસ પાઠવવામાં આવી છે. 
આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષો થયા ખેતીની જમીનને બીનખેતી કર્યા વગર કોમર્શીયલ ઉપયોગમાં લેવાના હેતુથી પાર્ટી પ્લોટનું અસ્તીત્વ શરૂ થયુ હતું. અને જેમાં શુભ પ્રસંગો, લગ્ન પ્રસંગો સહીતનાં કાર્યક્રમોનું એક દિવસનું ભાડુ અંદાજીત રૂા. ર લાખ કરતા પણ વધારે રાખી અને ધીકતી કમાણી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી હતી. જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ખલીલપુર રોડ, ઝાંઝરડા રોડ, મધુરમ સહીતનાં વિસ્તારોમાં આવા પાર્ટી પ્લોટ મોટાપાયે ધમધમતા રહયા હતાં. જાેવાની બાબત એ છે કે બીનખેતી કર્યા વિના જ પાર્ટી પ્લોટમાં કાર્યક્રમો થતા હતાં. અને નિયમો અંગેની કોઈ જાતની પરવા પણ કરવામાં આવી ન હતી. બીન કાયદેસર રીતે ખેતીની જમીન ઉપર કોમર્શીયલ રીતે ઉપયોગ થતો હોય તો તેની સામે શરતભંગ સહીતની કાર્યવાહી થઈ શકે તેમજ દંડાત્મક કાર્યવાહી થઈ શકે. પરંતુ અત્યાર સુધીનાં કોઈ કલેકટરે આ દિશામાં કાર્યવાહી કરી ન હતી. દરમ્યાન જૂનાગઢનાં કલેકટર યોગેશ ચૌધરીનાં ધ્યાનમાં આ મુદો આવી જતાં તેઓએ કુલ ૧૧ પાર્ટી પ્લોટનાં સંચાલકોને રૂા. રપ લાખથી પણ વધારે રકમ ભરવાની નોટીસ પાઠવવામાં આવી છે. અને બધા મળીને કુલ રૂા. ર.પ૦ કરોડનાં દંડની નોટીસ પાઠવી છે. દરમ્યાન કલેકટર દ્વારા જે નોટીસ પાઠવવામાં આવી છે તેની સામે રજુઆત કરવામાં આવી રહી છે. નવરાત્રી સમયે જ ૧૧ પાર્ટી પ્લોટને લાખો રૂપિયા ભરવાની નોટીસ મળી છે. ત્યારે પાર્ટી પ્લોટ એસો. દ્વારા આ બાબતે મહેસુલ વિભાગનાં વિશેષ સચીવને રજુઆત કરી અને દંડ ઓછો કરવાની માંગણી પણ કરવામાં આવી છે. આ દંડ ઓછો થયા બાદ પૈસા ભરીને બીનખેતી કરી લેવામાં આવશે તેવું મનાય છે.