ભેસાણના તડકા પીપળીયા ખાતે મહિલા કિસાન દિવસ નિમિત્તે મહિલા ખેડૂતો માટે ક્ષમતાવર્ધન તાલીમ યોજાઈ
બેકરી વાનગીઓની પ્રત્યક્ષ તાલીમ સાથે મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન અપાયું
જૂનાગઢ, તા. ૧૫
મહિલા કિસાન દિવસ નિમિત્તે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામ ખાતે મહિલા ખેડૂતો માટે ક્ષમતાવર્ધન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન મહિલા ખેડૂતોને સ્વરોજગાર અને મૂલ્યવર્ધન તરફ પ્રોત્સાહિત કરવાના હેતુથી બેકરી શાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા વિવિધ બેકરી વાનગીઓ બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન વિવિધ વાનગીઓ બનાવવાની પદ્ધતિનું નિદર્શન કરી, જરૂરી સામગ્રી, બનાવટની પ્રક્રિયા તથા ગુણવત્તા જાળવવા અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે મહિલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ, તેની વિવિધ પદ્ધતિઓ, ઉપયોગિતા અને ફાયદાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો સ્ટાફ, બેકરી શાળા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો તેમજ મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


