ઉપલા દાતાર ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની ધ્વજવંદન કરી ઉજવણી કરતા મહંત શ્રી ભીમ બાપુ
જૂનાગઢ તા. ર૬
કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આજરોજ દેશના ૭૭ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુની ઉપસ્થિતિમાં ત્રિરંગાને લહેરાવી ધ્વજવંદનનો કાર્યક્રમ આજે વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે દાતારની ટેકરી ઉપર સંપન્ન થયો હતો આ પ્રસંગે ઉપલા દાતારના સેવક સમુદાય અને વિદ્યાર્થીઓએ ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો પ્રજાસત્તાક દિવસે ગિરનાર પર્વતના જાેડિયા ભાઇ સમાં ઉપલા દાતારની ટોચ ઉપર (લગભગ ૩૨૦૦ ફૂટ ઊંચાઈ) ઉપર દેશભક્તિપૂર્ણ માહોલમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દાતાર આશ્રમના મહંત શ્રી ભીમ બાપુના કરકમળો દ્વારા ધ્વજારોહણ કરીને સંપન્ન થયો હતો.
આ સાથે ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી, જૂનાગઢના કોચ સાગર કટારિયા તથા તેમની એકેડેમીના વિદ્યાર્થીઓ દ્વારા પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. ૩૨૦૦ ફૂટની ઉંચાઈએ તિરંગો લહેરાવી દેશપ્રેમનો સંદેશો આપવામાં આવ્યો હતો.
સમગ્ર વાતાવરણ “વંદે માતરમ” અને “ભારત માતા કી જય”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે મહંત શ્રી ભીમ બાપુએ દેશની એકતા અને અખંડિતતા માટે યુવાનોને આગળ આવવાની અપીલ કરી હતી. તેમજ કોચ સાગર કટારિયાએ જણાવ્યું હતું કે રમતગમત સાથે સાથે દેશપ્રેમની ભાવના વિકસે તે માટે આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમમાં ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમીના તમામ વિદ્યાર્થીઓ હાજર રહી પ્રજાસત્તાક દિવસને ગૌરવપૂર્વક ઉજવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોને દાતારની જગ્યા તરફથી પ્રસાદ ગરમાગરમ ડ્રાયફ્રુટ વાળો શીરો પીરસાયો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


