કેનેડાએ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો : અમેરીકાથી આયાત થતી ૬૦૦ વસ્તુઓ પર પ૦ ટકા ટેરિફ ઝીંકી

કેનેડાએ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો : અમેરીકાથી આયાત થતી ૬૦૦ વસ્તુઓ પર પ૦ ટકા ટેરિફ ઝીંકી

ટોરેન્ટો તા.૯:
ટેરિફ મામલે કેનેડા-અમેરિકા વચ્ચે હવે સીધો મુકાબલો શરૂ થઈ ગયો છે. કેનેડાએ આ વખતે અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. ટેરિફ-ટેરિફની રમત રમતા ટ્રમ્પને કેનેડાએ પણ ટેરિફનો જ જવાબ આપ્યો છે. કેનેડાએ અમેરિકાથી આયાત થતા ૬૦૦થી વધુ પ્રકારના માલ પર ૫૦ ટકા સુધીનો જવાબી ટેરિફ લગાવ્યો છે. આથી બંને પાડોશી દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ વધ્યો છે. હકીકતમાં, ઓટાવા અને વોશિગ્ટન વચ્ચેની વાતચીત કોઈ પરિણામ વિના પૂરી થયા બાદ કેનેડાએ આ પગલું ભર્યું છે.
નવા ટેરિફ ગત રાત્રીના ૧૨:૦૧ વાગ્યાથી લાગુ થઈ ગયા છે. તેના દાયરામાં ૬૨૯ પ્રકારના માલ સામેલ છે. આ માલની અમેરિકાથી કેનેડામાં દર વર્ષે લગભગ ૨૭.૬ અબજ કેનેડિયન ડોલર (લગભગ ૨૦ અબજ અમેરિકી ડોલર)ની આયાત થાય છે. આ ટેરિફના દર ૧૫ ટકાથી લઈને ૫૦ ટકા સુધી છે. તેના દાયરામાં સ્ટીલ, ફનિર્ચર, કપડાં અને ઇલેક્ટ્રોનિક્સ સહિત અનેક પ્રકારના માલ સામેલ છે. કેનેડાએ શરૂઆતમાં ૮૭૪ પ્રકારના માલ પર ટેરિફ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. બાદમાં તેમાંથી માછલી અને દરિયાઈ ખાદ્ય પદાર્થોની ૨૫૪ કેટેગરીઓને દૂર કરવામાં આવી અને ૯ અન્ય પ્રકારના માલને તેમાં સામેલ કરવામાં આવ્યા હતા.