કેશોદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યાલયનું ઉદઘાટન
(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.ર૧
કેશોદ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હિન્દુ હૃદય સમ્રાટ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, કાર્યકરો, ધર્મપ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોને ડો. તોગડિયાને રૂબરૂ સાંભળવાનો અને તેમની સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમ બાદ અક્ષય અન્નક્ષેત્ર ખાતે યોજાયેલા વિશાળ સભામાં ડો. પ્રવીણ તોગડિયાએ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સમાજની એકતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં સમાજને માત્ર આર્થિક વિકાસ જ નહીં પરંતુ રોગમુક્તિ, ચિંતામુક્તિ, પરસ્પર સહયોગ, ભાઈચારો અને સામાજિક એકતાની પણ એટલી જ જરૂરિયાત છે. સમાજના દરેક વર્ગ સુધી આ સંદેશ પહોંચે અને લોકો એકબીજાના સુખ-દુ:ખમાં સહભાગી બને તે સમયની માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને ધર્મના જતન સાથે સમાજના આત્મરક્ષણ અને સંગઠન માટે ગામડે ગામડે તથા શહેરોની ગલીએ ગલીએ હનુમાન ચાલીસા કેન્દ્રોની સ્થાપના થઈ રહી છે.
આવા કેન્દ્રો માત્ર ધામિર્ક પ્રવૃત્તિઓ પૂરતા મર્યાદિત ન રહેતા પરંતુ સમાજના લોકો વચ્ચે પ્રેમ, એકતા અને સહકારની ભાવનાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે અઠવાડિયામાં એક દિવસ સૌ સાથે મળીને હનુમાન ચાલીસાનું પાઠન, ધામિર્ક ચર્ચાઓ અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા પરસ્પરના મનના અંતરો દૂર કરી શકાય છે તેમજ જરૂરિયાતના સમયે એકબીજાને મદદરૂપ બની શકાય છે. ડો.તોગડિયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પરિવારો પરસ્પર સ્નેહ, સહયોગ અને વિશ્વાસથી જોડાય છે. ત્યારે સુખી પરિવાર અને સુખી સમાજનું નિર્માણ થાય છે સમાજમાં સંગઠન, સંસ્કાર, સેવા અને સહકારની ભાવના વધુ મજબૂત બને તે માટે દરેક વ્યક્તિએ પોતાના વિસ્તારમાં સામાજિક અને ધામિર્ક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવો જોઈએ તેમણે યુવા પેઢીને પણ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે જોડાઈ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે વિશ્વ હિન્દુ હેલ્પલાઇન નંબર ૦૨૦૬૬૮૦૩૩૦૦ અંગે પણ માહિતી આપી હતી અને જરૂરિયાતમંદ લોકોને આ હેલ્પલાઇનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આ હેલ્પલાઇન દ્વારા દેશભરના હિન્દુ સમાજને માર્ગદર્શન, સહાય અને જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ તેમણે જણાવ્યું હતું કાર્યક્રમનું વાતાવરણ ધામિર્ક અને રાષ્ટ્રભક્તિના ભાવથી ઓતપ્રોત બન્યું હતું ઉપસ્થિત કાર્યકરો અને સમાજના આગેવાનોમાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો કેશોદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યાલયના ઉદ્ઘાટન સાથે સમાજ સંગઠન અને સેવા પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


