વેરાવળ પાલિકાના સેક્રેટરીની કચેરીમાં લાઈટ-પંખાનો ‘દુર્વ્યય’, નગરસેવકોનો વીડિયો વાયરલ ?
બિનજરૂરી રીતે દોઢ કલાક સુધી ઓફીસમાં વીજ ઉપકરણો ચાલુ રાખ્યાનો નગરસેવકનો આક્ષેપ : ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી સીસીટીવી ફૂટેજ તપાસી જવાબદારી નક્કી કરવાની માંગ કરાઈ
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.ર૧
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં વહીવટી બેદરકારીના આક્ષેપોને લઈને ફરી એક વખત ચકચાર મચી છે. પાલિકાના વોર્ડ નં. ૨ના નગરસેવકો બસીર ગોહેલ અને નરેશ ચાવડાએ પાલિકાના સેક્રેટરીની કચેરીમાં કોઈ હાજર ન હોવા છતાં લાઈટ અને પંખા ચાલુ રાખી વીજળીનો કથિત દુર્વ્યય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. બંન્ને નગરસેવકોએ સમગ્ર મામલે વીડિયો બનાવી તેને પુરાવા તરીકે રજૂ કરી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. નગરસેવકોની રજૂઆત મુજબ, તા. ૨૦ ઓગસ્ટના રોજ બપોરના સમયે તેઓ પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. તે સમયે સેક્રેટરીની ચેમ્બરમાં કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોવા છતાં લાઈટ અને પંખા ચાલુ જોવા મળ્યા હતા. નગરસેવકોના જણાવ્યા મુજબ અંદાજે દોઢ કલાક જેટલા સમય સુધી આ રીતે વીજ ઉપકરણો ચાલુ રહ્યા હતા. ત્યારબાદ નગરસેવકોએ સ્થળનો વીડિયો ઉતારતાં એક કર્મચારી આવી લાઈટ અને પંખા બંધ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગરસેવકોએ ચીફ ઓફિસરને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકાની વીજળીનો ખર્ચ આખરે જાહેર નાણાંમાંથી થાય છે. કચેરીનો ઉપયોગ ન થતો હોય ત્યારે લાઈટ, પંખા કે અન્ય વીજ ઉપકરણો ચાલુ રાખવાથી જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. આથી સમગ્ર મામલાની તપાસ કરી જો બેદરકારી સાબિત થાય તો જવાબદાર અધિકારી કે કર્મચારીની જવાબદારી નક્કી કરી નિયમસર કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા રજૂઆત....
રજૂઆતમાં તા. ૨૦ ઓગસ્ટના બપોરે ૧ થી સાંજના ૫ વાગ્યા સુધીના સેક્રેટરીની કચેરી તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી તેને સુરક્ષિત રાખવાની પણ માગ કરાઈ છે. વીજળીના બિનજરૂરી વપરાશને રોકવા પાલિકાની તમામ કચેરીઓ માટે જરૂરી સૂચનાઓ અથવા પરિપત્ર બહાર પાડવાની માંગ પણ કરવામાં આવી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે સેક્રેટરીની કચેરીમાં લગાવવામાં આવેલા એસી અંગે પણ નગરસેવકોએ સવાલો ઉઠાવ્યા છે. એસી ક્યારે, કોની મંજૂરીથી અને કયા ઠરાવ, હુકમ, વર્ક ઓર્ડર કે ટેકનિકલ મંજૂરીના આધારે લગાવવામાં આવ્યું તેની તપાસ કરવા રજૂઆત કરાઈ છે. એસીની ખરીદી, સ્થાપના, વીજ કનેક્શન તથા સંચાલન પાછળ થયેલા ખર્ચના બિલો અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવાની પણ માગ કરવામાં આવી છે. નગરસેવકોએ અગાઉના એક કથિત પ્રસંગનો ઉલ્લેખ કરી ઇન્ચાર્જ સેક્રેટરી દિગંત દવેની કચેરીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માંથી એસી લાવી મંજૂરી વિના લગાવવાના આક્ષેપો પણ રજૂઆતમાં કર્યા છે. જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. હવે ચીફ ઓફિસર સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે અને જવાબદારી નક્કી થાય છે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે.


