ગાંધીચોક કોંગ્રેસ ભવન નજીક બનેલી ઘટના : ઝાંઝરડા રોડ જેવી દુર્ઘટના થતા રહી ગઈ
ભૂગર્ભ ગટરની કામગીરી દરમ્યાન જેસીબીનો પાવડો અડી જતાં ગેસની પાઈપલાઈનમાંથી ૧ર મીનીટ સુધી ફુવારો ઉડયો
જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરનાં ટ્રાફીકથી ધમધમતા ગાંધી ચોક નજીક આજે સવારે અતિ ગંભીર ઘટના બની હતી જેમાં ભૂગર્ભ ગટરની કામગીરી અંતર્ગત જેસીબી દ્વારા રસ્તાનું ખોદકામ થઈ રહયું હતું ત્યારે ગેસની પાઈપલાઈનને જેસીબી અડી જતાં બ્લાસ્ટ થયો હતો અને ૧૦ થી ૧ર મીનીટ સુધી ગેસનો ફુવારો ઉડયો હતો અને ભારે અફરાતફરી મચી જવા પામી હતી જાે કે સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. જાગૃત નાગરીક દ્વારા કોર્પોરેશન, ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને સંબંધીત વિભાગ બનાવનાં સ્થળે દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત વધુ વિગત અનુસાર આજે સવારે ૧૦.૩૦ થી ૧૧.૦૦ વાગ્યાનાં સમય દરમ્યાન ગાંધી ચોકથી રેલ્વે સ્ટેશન તરફ જતા માર્ગ પર ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટ થયો હતો. કોંગ્રેસ ભવન નજીક હાલ ભૂગર્ભ ગટર ફેઝ-રનું કામગીરી ચાલી રહી હોય જે અંતર્ગત જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહયું છે શ્રમિકો દ્વારા આ કામગીરી થઈ રહી હતી ત્યારે જ જેસીબી ટોરેન્ટ ગેસની પાઈપલાઈનને અડી જતાં બ્લાસ્ટ થયો હતો ૧ર મીનીટ સુધી ગેસનો ફુવારો ઉડયો હતો. રસ્તાનાં ખોદકામની કામગીરી દરમ્યાન જે સાવચેતી રાખવી જાેઈએ તે કોર્પોરેશને દાખવી ન હતી જેને લઈને આ બનાવ બન્યો હતો. આ ઘટનાની જાણ જાગૃત નાગરીકે ટોરેન્ટ ગેસ કંપની, પોલીસ તેમજ ફાયર તેમજ કોર્પોરેશનને કરી અને સંબંધિત વિભાગ બનાવનાં સ્થળે આવી કાર્યવાહી કર્યા બાદ મામલો થાળે પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી એક વર્ષ પહેલા ઝાંઝરડા બાયપાસ ચોકડી ઉપર જેસીબી દ્વારા ખોદકામ થતું હતું ત્યારે પણ ગેસની પાઈપ લાઈન લીક થતાં ગમખ્વાર દુર્ઘટના બની હતી અને ત્રણ માનવ જીંદગી હોમાઈ ગઈ હતી. આ ઘટના ઉપરથી કોઈ બોધપાઠ લેવાનાં બદલે કોર્પોરેશન તંત્ર દ્વારા કોઈપણ જાતની સુરક્ષા તકેદારીનાં પગલા લીધા વિના રસ્તા ખોદકામની કામગીરી કરતી હોવાનાં ગંભીર આક્ષેપો થઈ રહયા છે. આજે જયારે ૧ર મીનીટ સુધી ગેસનો ફુવારો રસ્તા ઉપર ઉડયો હતો ત્યારે ભારે દુર્ઘટના ઘટી હોત એટલું જ નહી બાજુમાં જ બેટરીની દુકાન આવેલી હોય ત્યાં પણ જાે અઘટિત થયું હોત તો અત્યંત ગંભીર પરીણામ આવી શકે તેવી દહેશત વ્યકત થઈ છે. કોર્પોરેશનની બેદરકારીનાં નમૂનારૂપ અને તકેદારીનાં કોઈપણ પગલા નહી લેવાનાં કારણે આજે ગેસ લીકની ઘટના બનવા પામી હતી તે અંગે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી. સીડાએ તિવ્ર આક્રોશ વ્યકત કરી નિંભર તંત્રનાં બેદરકારીભર્યા કામ અંગે જવાબદારો સામે પગલા ભરવા માંગણી કરી છે.


