ગાયને માતા તરીકે પૂજતા દેશમાં ગાયની સારવાર માટે ટેકનોલોજીનો અભાવ હોવાની ફરિયાદ
(પ્રતિનિધી દ્વારા)
કોડીનાર તા.8
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામના ભાવેશભાઈ સોલંકીની ગીર ગાય છેલ્લા એક મહિનાથી બીમાર હોય અનેક સારવાર છતાં મુખ્ય શું બીમારી જાણી ન શકાયું હોય માટે ભાવેશભાઈ સોલંકીએ પ્રધાનમંત્રીને પત્ર દ્વારા તેમની ગાયની યોગ્ય સારવાર કરાવી બચાવી લેવા ફરિયાદ કરી છે. યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકીની ગાય 25 માર્ચ 2026 ના બીમાર પડી હતી ત્યારે સ્થાનિક ડોક્ટરની સારવાર બાદ થોડા દિવસ સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો,પરંતુ 12 એપ્રિલ 2026 ના રોજ ફરી એજ બીમારીના લક્ષણો જણાતા લગભગ 6-7 ડોક્ટરોએ નિદાન કરતા મુખ્ય બીમારી શું છે તે જાણી નથી શકાયું અંતે જૂનાગઢ ખાતેની વેટરનરી કોલેજ કામધેનું યુનિવસિર્ટી એ પોતાની ગીર ગાયને લઈ ગયેલ અને ત્યાં જરૂરી સારવાર કરી અને તેઓ દ્વારા કહેવામાં આવેલ 4 દિવસની સારવાર કરી હોવા છતાં સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો ન હતો, પરંતુ ભાવેશભાઈ સોલંકી એ યુનિવસિર્ટીની મહેનત અને સહકારને આવકાર્યો હતો. પત્રમાં ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પશુઓના સ્વાસ્થ્ય બાબતમાં હજી ઘણું ઘટતું હોય જેના કારણે મારી ગાયને શું સમસ્યા છે એનું સચોટ નિદાન થઈ શક્યું નથી,ગાય હજી પોતાના પગ પાછળ વધુ ખેંચાવવા લાગી છે (કારણ કે એને પેટમાં અંદર કોઈક મોટી સમસ્યા છે, જે ટેકનોલોજીના અભાવે જાણી શકાયું નથી), વિશેષમાં જણાવવામાં આવ્યું હતું કે જે રીતે માણસના સ્વાસ્થ્ય માટે સારી ટેકનોલોજી અને સ્વાસ્થ્ય માટેનું શિક્ષણ આપવામાં આવે છે એમ પશુ માટે પણ ચિંતા કરવામાં આવે,ખેડૂત માટે પોતાનું પશુ માત્ર આવક મેળવવાનું સાધન નથી હોતું,પણ એ એના પરિવારનું સદસ્ય હોઈ છે,જ્યારે ગાયને આપણે માતા તરીકે પૂજીએ અને એના નિદાનમાં ટેકનોલોજીનો અભાવ દુ:ખદ વાત કહી શકાય. વિશેષમાં ભાવેશભાઈ એ પ્રધાનમંત્રીશ્રી પાસે આશા વ્યક્ત કરી હતી કે આપના સ્તરેથી રાજ્યના ઉચ્ચ શિક્ષણ મેળવેલ પશુ ડોક્ટરોની ટીમ મોકલી મારી ગાયને બચાવી લેવામાં આવે અને એને શું સમસ્યા છે એનું સચોટ નિદાન કરવામાં આવે,એ બાબતે જે કઈ ખર્ચ થશે તે હું ભોગવવા તૈયાર છું.


