ટ્રમ્પે કહ્યું - ‘ઈરાન પરમાણુ મથકોની તપાસ કરાવવા તૈયાર’, ઈરાને ચોખ્ખી ના પાડી

ટ્રમ્પે કહ્યું - ‘ઈરાન પરમાણુ મથકોની તપાસ કરાવવા તૈયાર’, ઈરાને ચોખ્ખી ના પાડી

વોશિંગ્ટન/તહેરાન તા.23
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન તેના પરમાણુ સ્થળોની આંતરરાષ્ટ્રીય તપાસ માટે તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે, તેનાથી દુનિયાને લાંબા સમય સુધી વિશ્વાસ રહેશે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હથિયાર બનાવવા માટે નથી. આ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સી IAEAના અધિકારીઓને ફરીથી ઈરાનમાં તૈનાત કરી શકાય છે.
જોકે, ઈરાને અમેરિકાના આ દાવાને નકારી કાઢ્યો છે. સરકારી ન્યૂઝ એજન્સી IRNAઅનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ કહ્યું કે IAEA સાથે સહયોગ પહેલાથી નક્કી નિયમો હેઠળ ચાલુ રહેશે. ઈરાને કોઈ નવું વચન આપ્યું નથી. સ્વિટ્ઝર્લેન્ડમાં લગભગ 18 કલાક ચાલેલી વાતચીત દરમિયાન પરમાણુ મુદ્દે કોઈ નવી સહમતિ બની નથી. સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરની વાટાઘાટો પછી, અમેરિકાએ ઈરાની તેલ પરના કેટલાક પ્રતિબંધોમાં 60 દિવસની છૂટ આપી છે. જોકે, પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ ભંડાર સંબંધિત સૌથી મુશ્કેલ મુદ્દાઓ પર વાતચીત હજુ બાકી છે.