ગીરનારની સીડી ઉપર સ્વચ્છતાનો સદંતર અભાવ : કચરાના ગંજ
સુપરવાઈઝર દ્વારા સાફ જગ્યાનાં ફોટા ફાડી રીપોર્ટ કરી દેવામાં આવે છે : ગંદકીને કારણે નિર્દોષ વેપારીઓને દંડ ફટકારવામાં આવતો હોવાનાં આક્ષેપો
જૂનાગઢ તા. 18
પવિત્ર યાત્રાધામ ગરવા ગિરનારની યાત્રાએ લાખોભાવિકો આવે છે અને જયાં 5500 પગથીયાની પદયાત્રાનાં માર્ગ ઉપર એટલે કે સીડીઓ ઉપર કોઈપણ જાતની સફાઈ થતી ન હોવાનાં દ્રશ્યો સામે આવ્યા છે અને કચરાનાં ગંજ ખડકાયા છે. બીજી તરફ નિર્દોષ વેપારીઓને દંડ ફટકારવામાં આવતો હોવાનું બહાર આવતા ચકચાર જાગી ઉઠી છે. જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનાર ક્ષેત્ર એટલે પ્રવાસનનું મોટુ ધામ છે. ગીરનાર પર બીરાજતા અંબાજી માતાજીનાં મંદિર તેમજ ગુરૂદત્તાત્રેયનાં દર્શને હજારોની સંખ્યામાં ભાવિકોની સતત અવર જવર રહેતી હોય છે. રોપવે થયા બાદ ભાવિકો રોપવેની મારફત પણ દર્શને જતા હોય છે. જયારે વર્ષો થયા ગીરનારના પગથીયા પગપાળા ચડી અને યાત્રાઓ કરવામાં આવતી હોય છે. તે આજે પણ ક્રમ ચાલુ રહયો છે. અને હજારો ભાવિકો દરરોજ પગપાળા સીડી ચડી અને ધર્મસ્થાનોના દર્શને જાય છે. કાયમને માટે જયાં ભાવિકોની અવર જવર રહે છે તેવી ગીરનારની સીડી પર સફાઈ કરવામાં આવતી ન હોવાની વ્યાપક ફરીયાદ અને દ્રશ્યો પણ સામે આવ્યા છે. પ્રસ્તુત તસ્વીરમાં કચરાના ગંજ ખડકાયા હોવાનું સ્પષ્ટ જાેવા મળી રહયું છે. ગીરનારની સીડી પર સફાઈ માટેનો યાત્રાધામ વિકાસ બોર્ડનો કોન્ટ્રાકટ છે. માણસો અને સુપરવાઈઝરની મીલીભગતની ફરીયાદો ઉઠી છે. એક એવી પણ બાબત સામે આવી છે કે સુપરવાઈઝર દુકાનોની આજુબાજુ સાફસુફ હોય તેના જ ફોટા પાડી અને રીપોર્ટ ભરી દે છે. 10 થી 15 દિવસમાં માણસો એક જ વાર આવે છે. અને કોઈ કામગીરી કરતા નથી. 1500 પગથીયા પર ફોટા પાડી અને માણસો જમીને આરામ કરીને ટાઈમ થાય એટલે જતા રહે છે તેવી ચર્ચાઓ છે. બીજી તરફ ગીરનારની સીડી પર સફાઈ કરવામાં ન આવતી હોય જેને લઈને દુકાનદારોને દંડ ફટકારવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહયા છે. આ બાબતે સંબંધીત તંત્ર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવાની માંગણી ઉઠવા પામી છે.
યાત્રાધામની જાળવણી માટે સરકાર લાખોની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ ભ્રષ્ટાચારીઓની મીલીભગતને કારણે નાણાંનો બેફામ દુરૂપયોગ
ગુજરાત સરકારની નેમ રહી છે કે ગુજરાતનાં યાત્રાધામોનાં વિકાસ તેમજ તેની જાળવણી માટે દર વર્ષે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ લેભાગુ તત્વો, ભ્રષ્ટાચારીઓની મીલીભગતને કારણે નાણાંનો બેફામ દુરૂપયોગ અને ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવે છે. જૂનાગઢનાં ગરવા ગિરનાર - ભવનાથ ક્ષેત્રનાં વિકાસ માટે પણ સરકાર કટીબધ્ધ છે અને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ગિરનારની યાત્રાએ આવતા શ્રધ્ધાળુઓ માટે ગીરનારની સીડીની સફાઈ તેમજ ભાવિકો માટે વિસામાનાં સ્થળો, લાઈટીંગની વ્યવસ્થા તેમજ યાત્રાળુઓ માટે પીવાના પાણી સહિતની સુવિધાઓ પુરી પાડવા માટે નાણાં ફાળવવામાં આવે છે પરંતુ ગીરનારની સીડી ઉપર યાત્રાળુઓ માટે હાલની તકે કોઈપણ જાતની સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી. પાણી પણ યાત્રાળુઓએ મોંઘા ભાવે બોટલ ખરીદવી પડે છે તે પણ સત્ય હકીકત છે આ ઉપરાંત ગીરનાર ક્ષેત્રમાં તળેટીમાં જ આવેલા અને ભવનાથ તરીકે વિકાસ પામી રહેલા આ ધામિર્ક ક્ષેત્રમાં ભવનાથ ગેઈટથી લઈને છેક તળેટી સુધીનાં રસ્તા સહિતનાં કામોમાં પણ ભારે બેદરકારી જાેવા મળે છે. ભારે ખર્ચા કરવા છતાં પણ અનેક અસુવિધાઓનો સામનો ભાવિકો કરી રહયા છે. આ ઉપરાંત શિવરાત્રી અને પરીક્રમા દરમ્યાન ભવનાથ મંદિરની પાછળ આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો માટેનાં સ્થળની સાફ સફાઈ - દેખરેખ અને જાળવણી યોગ્ય રીતે કરવામાં આવતી નથી. સારી સુવિધા હોવા છતાં લોકોને અસુવિધાઓનો સામનો કરવો પડી રહયો છે ત્યારે આ બાબતે સંબંધિત તંત્ર તેમજ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે તેવી લાગણી અને માંગણી ઉઠવા પમામી છે.


