ગેસના બાટલા મળવા મુશ્કેલ થતા ગુજરાતના ખાણીપીણી બજારમાં અફરાતફરીનો માહોલ

ગેસના બાટલા મળવા મુશ્કેલ થતા ગુજરાતના ખાણીપીણી બજારમાં અફરાતફરીનો માહોલ

(બ્યુરો)         અમદાવાદ તા.૧૧
ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમશિર્યલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમશિર્યલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે.
કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી છે. જોકે રાજ્ય સરકારે કોમશિર્યલ સિલિન્ડરની સપ્લાય બરોબર હોવાની હૈયાધારણા આપી છે.
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની હવે ગુજરાતમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમશિર્યલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. જો કે અન્ય રાજ્યમાં કોમશિર્યલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે. જો કે હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર બે દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી. હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી. જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા. જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.