જીત બાદ ટીમ ઈન્ડિયાએ હાથ નહીં મીલાવતા પાકિસ્તાને ભારત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
(એજન્સી) નવી દિલ્હી તા.૧૫
ટીમ ઈન્ડિયાએ એશિયા કપની મેગા મેચ, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, ૭ વિકેટથી જીતી લીધી. શરૂઆતમાં આ મેચ રમવા અંગે વિવાદ થયો હતો; પહેલગામ આતંકવાદી હુમલાને કારણે મેચનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભારતે આ ભાવનાને અવગણીને રમ્યું અને જીતીને ‘બદલો‘ લીધો. પરંતુ હાથ ન મિલાવવાના મુદ્દાએ સૌથી વધુ હેડલાઇન્સ બનાવી. ટીમ ઈન્ડિયાએ મેચ પછી હાથ મિલાવવાનો ઇનકાર કર્યો, એટલું જ નહીં, પાકિસ્તાની ટીમ મેદાન પર રાહ જોઈ રહી હતી અને ટીમ ઈન્ડિયાએ ડ્રેસિંગ રૂમનો દરવાજો પણ બંધ કરી દીધો. પાકિસ્તાનને તેનાથી ‘‘મરચા‘‘ લાગ્યા છે અને તેણે દુબઇમાં ભારત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. અધુરામાં પૂરૂ કેપ્ટન સૂર્યાએ વિજયને પહેલગામ પીડિતો અને સેનાને અર્પણ કરતાં સોશ્યલ મીડિયા પર ટીમ ઇન્ડીયાનો જય જયકાર થઇ રહ્યો છે.
દુબઈમાં એશિયા કપ ૨૦૨૫ મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને ભારતે શાનદાર જીત નોંધાવી. આ મેચ અંગે ભારતમાં બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. ટોસ દરમિયાન અને મેચ પછી, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને અવગણ્યા, અને રમત પરંપરા મુજબ એકબીજા સાથે હાથ મિલાવ્યો નહીં. એકંદરે, મેચમાં નો હેન્ડશેક ક્ષણે સૌથી વધુ ચર્ચા મેળવી.


