જુનાગઢમાં યુવતીની છેડતી કરનાર શખ્સ ઝડપાયો : સ્થળ પર રી-કન્સ્ટ્રક્શન કરાયું
જુનાગઢ તા.૨૫
જુનાગઢ શહેરમાં મોતીબાગ પાસે યુવતીની છેડતી કરનાર ગાંધીગ્રામના શખ્સની પોલીસે ધરપકડ કરી સ્થળ પર લઈ ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી એક યુવતી ૧૯ સપ્ટેમ્બરની રાત્રિના દોઢ વાગ્યે મોતીબાગ પાસેની લાઇબ્રેરીમાં રીડીંગ કરીને જઈ રહી હતી ત્યારે મોતીબાગ પાસે ડ્રીમલેન્ડ સોસાયટીમાં આવેલ એક ખાનગી સ્કૂલ નજીક જીજે ૧૧ ઇબી ૬૮૩૫ નંબરના બાઈકના ચાલક યુવતીની છેડતી કરી નાસી ગયો હતો.
આ બનાવ અંગે યુવતીએ ૨૨ સપ્ટેમ્બરના રોજ ફરિયાદ કરતા બી ડિવિઝન પીઆઈ ડી. વી. ડાંગર, પીએસઆઇ એમ. આર. ઝાલાની ટીમે તપાસ હાથ ધરી હતી અને આ બનાવ અંગે કિશન બાબુ ધામેચાની ધરપકડ કરી હતી. શહેરનાં શહેરનાં ગાંધીગ્રામ ગરબી ચોક પાસે હાઉસિંગમાં રહેતો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ફતેપુરા ગામનો ૨૪ વર્ષીય આરોપી કિશનને ગઈકાલે ગુરૂવારે પોલીસ સ્થળ પર લઈ ગઈ હતી ત્યાં તેની પાસે ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ઓળખ પરેડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


