જૂનાગઢ જિલ્લામાં 11 સ્થળોએ ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ શેરી નાટકો યોજાયા

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ સ્થળોએ નાટ્યપ્રસ્તુતિઓ; જનકલ્યાણ યોજનાઓ, માળખાગત વિકાસ, પ્રવાસન અને જાહેર સેવાઓના વિષયો નાટકના માધ્યમથી રજૂ કરાયા

જૂનાગઢ જિલ્લામાં 11 સ્થળોએ ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ શેરી નાટકો યોજાયા

જૂનાગઢ તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના જાહેર શાસનને 7 ઓક્ટોબર 2026ના રોજ 25 વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ કાર્યક્રમ હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસ્તરે 21 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન આશરે 1,700 શેરી નાટકો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા.22 સપ્ટેમ્બરના રોજ કુલ 11 સ્થળોએ શેરી નાટકો યોજાયા હતા. અજાબ, મેસવાણ, કેશોદ અને માણેકવાડા ઉપરાંત માંગરોળ તાલુકાના ઓશા, વિરોલ અને ચાંદવાણ ખાતે નાટ્યપ્રસ્તુતિઓ યોજાઈ હતી. વંથલી તાલુકાના વાડલા અને કણજા તેમજ વંથલી નગરપાલિકા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકર ચોક અને ઝંડા ચોક ખાતે પણ શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ સ્થળોએ યોજાયેલા શેરી નાટકો જોવા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. નાટ્યપ્રસ્તુતિઓના માધ્યમથી જનકલ્યાણની વિવિધ યોજનાઓ, આપત્તિઓનો સામનો, માળખાગત સુવિધાઓ અને પ્રવાસન વિકાસ જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ જનસેવા અને રાષ્ટ્રભાવના સાથે જોડાયેલા વિવિધ પ્રસંગોને અભિનય, સંવાદ અને સંગીતના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
રાજ્યસ્તરના ‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ કાર્યક્રમમાં નાટ્યપ્રસ્તુતિઓને સરળ અને સંગીતમય સ્વરૂપ આપીને સેવા, સમર્પણ, અંત્યોદય, સુશાસન અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડાયેલા વિષયો લોકો સુધી પહોંચાડવાનો હેતુ જણાવવામાં આવ્યો છે. આ માટે રાજ્યભરમાં 103 ટીમો અને 1,000થી વધુ કલાકારોને જોડવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં આ શેરી નાટકોનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંકલનથી કરવામાં આવ્યું હતું. કેશોદ અને માંગરોળ તાલુકામાં યોજાયેલા શેરી નાટકો દરમિયાન ધારાસભ્ય દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા. અન્ય સ્થળોએ તાલુકા અને નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો સહિતના સ્થાનિક પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
‘નમો સેવા ગાથા-અનકહી કહાનીઓ’ અંતર્ગત શેરી નાટકો ઉપરાંત રાજ્યની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા આશરે 4,500 નાટ્યપ્રસ્તુતિઓ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમો દ્વારા કલા અને અભિનયના માધ્યમથી સેવા અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડાયેલા વિષયો રજૂ કરવાની યોજના છે.